મકરપુરા, જાંબુવા, માણેજા, પાણીગેટ અને ન્યુ વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં અસર થશે; અઢી લાખ રહીશો મુશ્કેલીમાં મુકાશે
વડોદરા શહેરના ઉત્તર અને દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ પાણી પુરવઠાને માઠી અસર પહોંચશે. પાણીની નવી લાઇનના જોડાણની કામગીરી અને વીજ નિગમના શટડાઉનને કારણે મકરપુરા, જાંબુવા, માણેજા, પાણીગેટ અને ન્યુ વીઆઈપી રોડ જેવા વિસ્તારોમાં પાણીનો કકળાટ સર્જાવાની શક્યતા છે. પાલિકાના પાણી પુરવઠા વિભાગે નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને સહકાર આપવા અપીલ કરી છે.
વોર્ડ નં. 4માં એરપોર્ટ ચાર રસ્તાથી ન્યુ વીઆઈપી રોડ તરફ જતી 900 મીમી વ્યાસની મુખ્ય ફીડર લાઇનને નવી નાખવામાં આવેલી 400 મીમીની લાઇન સાથે જોડવાની કામગીરી 2 ફેબ્રુઆરી, સોમવારના રોજ હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે અંદાજે અઢી લાખ રહીશોને સીધી અસર થશે.
સોમવાર 2 ફેબ્રુઆરી ખોડીયાર નગર, એરપોર્ટ, વારસિયા બુસ્ટર અને આજવા (સરદાર એસ્ટેટ) ટાંકી હેઠળના વિસ્તારોમાં સવાર અને સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે.
મંગળવાર 3 ફેબ્રુઆરી પાણીગેટ અને નાલંદા ટાંકી વિસ્તારમાં પાણી કાપ રહેશે તથા નિર્ધારિત સમય કરતાં મોડેથી અને ઓછા પ્રેશરથી પાણી અપાશે.
બીજી તરફ, વીજ નિગમ દ્વારા લેવામાં આવેલા શટડાઉનને કારણે જાંબુવા અને મકરપુરા વિસ્તારમાં પણ પાણીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, નવી લાઇનના જોડાણથી ભવિષ્યમાં પાણીનું દબાણ સુધરશે, પરંતુ હાલ પૂરતી આ કામગીરી અનિવાર્ય છે. રહીશોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ રવિવારથી જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લે જેથી સોમવાર અને મંગળવાર દરમિયાન પડનારી મુશ્કેલી નિવારી શકાય.
– ક્યાં અને ક્યારે અસર…
*મકરપુરા ગામ, જશોદા કોલોની સવારે 5:00 થી 6:00 નિયત સમય પહેલા પાણી અપાશે.
*જાંબુવા ગામ અને સોસાયટીઓ સવારે 6:05 થી 7:05 વીજ શટડાઉનને ધ્યાને રાખી ફેરફાર
*માણેજા ગામ અને સોસાયટીઓ શટડાઉન પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત થયા પછી પાણી અપાશે