ઉત્તર ઝોનમાં ષડયંત્ર રચી પાણી બંધ કરવા મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ
પાલિકાની ફરિયાદ પર ઉડાઉ જવાબ આપનાર ફતેગંજ પોલીસ થાણા અમલદાર અજય ગઢવી કહ્યું, તપાસ શરૂ કરી છે
વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં છેલ્લા કેટલાક દિવસથી નાગરિકો પાણીની તંગીને લઈને પાલિકા દ્વારા તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગમાંથી રોડ વિભાગમાં બદલી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવા આ હાલાકી માટે જવાબદાર હતા. હવે પાલિકાએ તેમને સસ્પેન્ડ કરવાની તજવીજ હાથ ધરી છે. માહિતી મુજબ, યોગેશ વસાવાએ સુનિયોજિત રીતે ઉત્તર ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણીના વાલ્વ બંધ કરાવ્યા હતા. પોતે રોડ વિભાગમાં હોવા છતાં તેણે જેસીબી ડ્રાઈવર ગુણવંત સોલંકી અને સુપરવાઇઝર સંજય માળીને વાલ્વ બંધ કરવા આદેશ આપ્યો હતો. બંનેએ જાણતા હોવા છતાં કે યોગેશ વસાવાની ફરજ રોડ વિભાગમાં છે, તેના આદેશનું પાલન કરી સહકાર આપ્યો હતો. આ મામલે પાલિકા દ્વારા યોગેશ વસાવા, ગુણવંત સોલંકી અને સંજય માળી વિરુદ્ધ ફતેગંજ પોલીસ મથકમાં અરજી આપી કાર્યવાહી માગી છે. જો કે, ફતેગંજ પોલીસ મથક દ્વારા હજુ સુધી કોઈને નિવેદન માટે બોલાવાયા નથી. ફતેગંજ પોલીસ મથકના થાણા અમલદાર અજય ગઢવીએ જણાવ્યું હતું, સમગ્ર મામલે હાલ તપાસ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવાર મોડી સાંજ સુધી ફતેગંજ થાણા અમલદારે ઉડાઉ જવાબ આપી પાલિકાની ફરિયાદને નજરઅંદાજ કરી હતી.
હવે સમગ્ર મામલે પાલિકાએ યોગેશ વસાવાને સપ્સપેન્ડ કરવા માટે તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આગામી સોમવાર અથવા મંગળવાર સુધીમાં પાલિકા યોગેશ વસાવાને સપ્સેન્ડ કરી દેશે. સાથે જ પોલીસ વિભાગમાં કરેલી અરજી મુજબ પણ જો અન્ય આરોપી પણ આ ષડયંત્રમાં શામેલ હશે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
મારો કોઈ રોલ નથી, જાણે જોઈને ફસાવાયો છે
હું બે કસુર છું. મારો આમાં કોઈ જ રોલ નથી. કોઈએ જાણી જોઈને આવું કર્યું છે. પણ હવે મારે પણ સાબિત કરવું પડશે. મારી બદલી તો ત્રણ મહિના પહેલા જ રોડ શાખામાં થઈ ગઈ છે. હું છેલ્લા 11 વર્ષથી પાણી પુરવઠા વિભાગમાં કામ કરતો હતો. આટલા વર્ષો કામ કર્યું અને પહેલી વાર મારા પર આવો આરોપ લાગ્યો. હું ઉપર સુધી રજૂઆત કરીશ. મારા પર જે આરોપો લાગ્યા છે તે તદ્દન ખોટા છે. – યોગેશ વસાવા, નાયબ કાર્યપાલક ઇજનેર, રોડ વિભાગ