Vadodara

પાણીના ઓછા દબાણના કારણો બહાર આવ્યા; 25 વર્ષ બાદ કેટલાક ઘરોમાં પ્રથમવાર નળમાં પહોંચ્યું પાણી

પાણીની લાઈનમાં બોટલ-લાકડાના ટુકડા મળ્યા

વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે પીવાના પાણીનો કળાકલ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં નળોમાંથી પાણી નહીં આવવા કે ખૂબ ઓછી માત્રામાં આવવાના પ્રશ્નો સામે આવ્યા છે. આ બાબતે કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે ચકાસણી હાથ ધરતા ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પાણીની લાઈનોમાંથી પ્લાસ્ટિકની બોટલ, લાકડાના મોટા ટુકડા અને માટીનો રગડો મળ્યો છે. ખાસ કરીને ખોડીયાર નગરના સુમેરુ ડુપ્લેક્સ વિસ્તારમાં લાઈન કાપીને તપાસ કરતા અશુદ્ધિઓનો ભરડો જોવા મળ્યો હતો. આ અવરોધો દૂર કર્યા પછી પાણીનો દબાણ સુધરતાં ફરિયાદોનો ઉકેલ આવી ગયો.

અહીં સુધી કે માંજલપુર વિસ્તારમાં આખા 25 વર્ષ બાદ પાણી સીધું રસોડા સુધી પહોંચતાં નળ તૂટી ગયો. સ્થાનિકોએ જણાવ્યું કે અત્યાર સુધી તેઓ માત્ર સંપમાં આવેલા પાણીથી મોટર મારફતે પાણી મેળવતા હતા. પરંતુ લાઈનોમાં સફાઈ પછી દબાણ વધતાં આ ઘટના બની. વડોદરા શહેરમાં મહીસાગર ફ્રેન્ચવેલ, સિંધ રોડ યોજના, આજવા સરોવર અને નર્મદા કેનાલથી રોજ લગભગ 555 એમએલડી પાણી ઉપલબ્ધ છે. તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ગેરકાયદે કનેક્શનો અને મોટરોના કારણે પૂરતું પાણી નથી પહોંચતું. આવી સ્થિતિએ ટેન્કરોના આધારથી લોકો જીવી રહ્યા છે અને ટેન્કર રાજનું ચલણ વધતું જાય છે.

Most Popular

To Top