Vadodara

પાણીગેટ વિસ્તારમાં કોર્પોરેશનનું કડક એક્શન : ભાડું ન ભરનાર દુકાનો સીલ, તબક્કાવાર કાર્યવાહી શરૂ

વડોદરા: શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના શોપિંગ સેન્ટરમાં ભાડું ન ભરનારા દુકાનદારો સામે પાલિકા તંત્રએ કડક પગલાં ભરી એક્શન શરૂ કર્યું છે. પાલિકા તરફથી વર્ષોથી ભાડું ચૂકવતા નહીં એવા દુકાનદારોને અનેકવાર નોટિસ અને રિમાઈન્ડર અપાયા હતા છતાં ભાડુઆતો દ્વારા કોઈ પગલું લેવામાં ન આવતાં આજે આઠ દુકાનો સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી માર્કેટ સુપરીટેન્ડન્ટ ડૉ. વિજય પંચાલની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર પાણીગેટમાં આવેલી દુકાનોમાં ઘણા વર્ષોથી ભાડું બાકી છે અને તંત્ર દ્વારા સતત રજૂઆતો કરવા છતાં પણ ચુકવણી કરવામાં આવતી નહોતી. આ કારણે પાલિકાએ કડક નિર્ણય લઈ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ડૉ. પંચાલે જણાવ્યું કે આ પ્રક્રિયા માત્ર પાણીગેટ પૂરતી સીમિત નહીં રહે, આગામી દિવસોમાં શહેરના અન્ય શોપિંગ સેન્ટરો અને મિલકતો પર પણ આવી જ કાર્યવાહી તબક્કાવાર હાથ ધરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની અનિયમિતતાઓ પર કડક નજર રાખવામાં આવશે અને પાલિકાની માલિકીની મિલકતોનો યોગ્ય ઉપયોગ થાય અને ભાડું સમયસર મળે તે માટે કાયદેસર પગલાં ચાલુ રહેશે.

Most Popular

To Top