Vadodara

પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ

રૂ. 55.33 લાખનું પુરવણી બિલ ફટકારાયું

1236 વીજ જોડાણોની તપાસ

( પ્રતિનિધિ ) વડોદરા, તા.19

મધ્ય ગુજરાત વીજ કંપનીએ ફરી એક વખત વીજ ચોરો સામે કડક કાર્યવાહી કરી છે. એમજીવીસીએલના વિજિલન્સ વિભાગ દ્વારા પાણીગેટ અને માંડવી પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળ આવતા વિસ્તારોમાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં વીજ ચોરી અને ગેરરીતિઓ ઝડપાઈ છે, જેને પગલે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિભાગના વિશેષ મુખ્ય ઇજનેર વી.એન. રાઠવાની રાહબરી હેઠળ પાણીગેટ અને માંડવી પેટા વિભાગીય કચેરીના તાબા હેઠળના વિસ્તારોમાં વીજ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન બાવામાંપુરા, કાગડાચાલ, રાજા–રાણી તળાવ, રાજપુરાની પોળ, જમનાબાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, યાકુતપુરા, હાથીખાના, ગેડા ફળિયા, દૂધવાળા મહોલ્લા, છીપવાડ, મિનારા કોમ્પ્લેક્સ, સરસિયા તળાવ સહિતના વિસ્તારો આવરી લેવામાં આવ્યા હતા.

વીજ ચેકીંગ દરમિયાન કુલ 1236 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં 43 વીજ જોડાણોમાં સીધી વીજ ચોરી ઝડપાઈ હતી, જ્યારે 4 વીજ જોડાણોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ નોંધાઈ હતી. વીજ ચોરી અને ગેરરીતિ પકડાતા સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને પગલે વીજ ચોરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વીજ ચોરી સામે વધુ કાર્યવાહી શક્ય

ઝડપાયેલી વીજ ચોરી અને ગેરરીતિઓ બદલ ઈન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 અને 126 મુજબ અંદાજે રૂપિયા 55.33 લાખ જેટલું પુરવણી બિલ આકારવામાં આવ્યું છે. એમજીવીસીએલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને વીજ ચોરી કરતા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદેસર વીજ વપરાશ માટે ચેતવણીરૂપ સંદેશો પહોંચ્યો છે.

Most Popular

To Top