કસ્ટોડિયલ ડેથ મામલે ઉચ્ચ અધિકારીઓ દોડ્યા, પેનલ પીએમના આદેશ
પત્ની સાથે ઝઘડાના કેસમાં અટકાયત થઈ હતી, સ્વેટરની દોરીથી આપઘાત
વડોદરા :
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલા એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. આ બનાવને કસ્ટોડિયલ ડેથ તરીકે લઈ પોલીસે BNS કલમ 176 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જીવનનગર વુડાના મકાનમાં રહેતા રમેશભાઈ છગનભાઈ વસાવા પત્ની સાથે વારંવાર ઝઘડો કરતા હોવાની ફરિયાદના આધારે મંગળવાર સાંજના સમયે પોલીસે તેમને અટકાયત કરી લોકઅપમાં રાખ્યા હતા.
ઠંડીના કારણે રમેશ વસાવાએ સ્વેટર પહેરેલું હતું. રાત્રિના સમયે પોલીસ સ્ટાફનું ધ્યાન ન રહેતા તેમણે સ્વેટરમાંથી દોરી કાઢી લોકઅપમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ બેડામાં તેમજ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
કસ્ટોડિયલ ડેથની જાણ થતાં અભિષેક ગુપ્તા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા એસડીએમ તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા વિડીયો રેકોર્ડિંગ સાથે પેનલ ડોક્ટરો દ્વારા કરવામાં આવશે.
પોલીસે શું કહ્યું?
પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી. પટેલે જણાવ્યું કે,
મૃતક સામે ઘરેલુ હિંસાની અરજી તેમની પત્નીએ આપી હતી, રમેશ વસાવાને દારૂ પીવાની લત હતી, પત્ની અને પુત્રી સાથે મારઝુડના આક્ષેપો હતા, આરોપી સાથે કોઈપણ પ્રકારની મારઝુડ કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાની FSL તપાસ પણ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના વિવિધ પોલીસ લોકઅપોમાં અગાઉ પણ આરોપીઓ દ્વારા આપઘાતના બનાવો સામે આવી ચૂક્યા છે. ફરી એકવાર લોકઅપની સુરક્ષા અને દેખરેખ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.