પ્રતિનિધિ | ગોધરા, તા. 16
પંચમહાલ જિલ્લામાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સરકાર દ્વારા વળતર સહાયની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ગોધરા તાલુકાના ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર ન મળતા વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોનું કહેવું છે કે, સરકારી જાહેરાત મુજબ જે વળતર મળવું જોઈએ તે હકીકતમાં મળ્યું નથી. પરિણામે પાક નિષ્ફળતાના ઝાટકાથી બહાર આવવા બદલે ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કથળી છે.
સરપંચોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈને ગોધરા તાલુકાના સરપંચોએ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે પાક નિષ્ફળતા બાદ બિયારણ, ખાતર, મજૂરી, ખેતી ખર્ચ
ચૂકવવો ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે. આવી પરિસ્થિતિમાં અપૂરતું વળતર મળવાથી ખેડૂતો પર દેવાનો બોજ વધવાની ભીતિ ઊભી થઈ છે.
અન્ય તાલુકા જેટલું વળતર આપવા માંગ
સરપંચોએ રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરી હતી કે,
ખેડા જિલ્લા અને સાવલી તાલુકાની જેમ જ સરકારની જાહેરાત મુજબના સમાન ધોરણે ગોધરા તાલુકાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને પણ પૂરતું વળતર ચૂકવવામાં આવે. તેમણે જિલ્લા પ્રશાસનને વિનંતી કરી હતી કે, ગોધરા તાલુકામાં અત્યાર સુધી ચૂકવાયેલા વળતરની તાત્કાલિક પુનઃ તપાસ કરવામાં આવે. અને સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણ મુજબ
યોગ્ય અને પૂરતી સહાય ખેડૂતોને ચૂકવવામાં આવે
ખેડૂતોને વહેલી તકે ન્યાય મળે તેવી માગ
આ રજૂઆત દ્વારા સરપંચોએ ભારપૂર્વક જણાવ્યું કે, જો સમયસર અને પૂરતું વળતર નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બનશે. તેથી ખેડૂતોને વહેલી તકે આર્થિક સહાય મળી શકે તે માટે તાત્કાલિક પગલાં લેવા જિલ્લા પ્રશાસનને અનુરોધ કરવામાં આવ્યો છે.