Shinor

પાક તૈયાર થવાને માંડ 10 દિવસ બાકી હતા ત્યાં જ શિનોર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો….

હજારો વિઘામાં મકાઈનો પાક જમીનદોસ્ત, ખેડૂતોને પ્રતિ વિઘા અંદાજે ₹12 હજારનું નુકસાન
શિનોર, તા. 22 માર્ચ:
શિનોર તાલુકામાં અચાનક ફૂંકાયેલા ભારે પવનના કારણે ખેતીમાં વ્યાપક નુકસાન નોંધાયું છે. ખાસ કરીને મકાઈના પાકોને સૌથી મોટો ફટકો લાગ્યો છે. હજારો વિઘા વિસ્તારમાં ઉભેલા પાક જમીનદોષ થઈ જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

માહિતી મુજબ તાલુકાના અનેક ગામોમાં તેજ પવનના ઝાપટાં સાથે ખેતરોમાં તૈયાર અવસ્થામાં ઉભેલા મકાઈના પાકો ઢળી પડ્યા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે પ્રતિ વિઘા અંદાજે ₹12 હજાર જેટલો ખર્ચ થયો હતો, અને પાક તૈયાર થવામાં માત્ર 10થી 15 દિવસનો સમય જ બાકી રહ્યો હતો. તેવા સમયે કુદરતી આફતે ખેડૂતોના મોઢામાંથી કોળિયો છીનવી લીધો હોવાનું ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી હતી.

આ અચાનક થયેલા નુકસાનને કારણે ખેડૂતો માટે નફો મેળવવો તો દૂરની વાત રહી, પરંતુ કરેલો ખર્ચ પણ પાછો મળશે કે નહીં તેવી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે સમગ્ર ખેડૂત વર્ગમાં નિરાશા અને ચિંતા ફેલાઈ ગઈ છે.
ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક નુકસાનનું સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે, જેથી તેઓ ખેતી માટે લીધેલા લોનના હપ્તા ભરી શકે અને આગામી સિઝનની તૈયારી માટે ફરી ઉભા રહી શકે. ખેડૂતોનું કહેવું છે કે ઝડપી સહાય મળવી હવે અત્યંત જરૂરી બની છે. 🌧️📉

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top