પાકિસ્તાન ઐતિહાસિક આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. દેશ ચલાવવા માટે મિલકતો વેચવા કાઢવી પડી છે એટલી કંગાળ હાલતમાં પાકિસ્તાન છે. બીજી તરફ ખુદ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફનું કહેવું છે કે દેશના નાણા મંત્રાલય પાસે ચૂંટણી યોજવા માટે પૈસા જ નથી. ખ્વાજા આસિફે આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી. ખ્વાજા આસિફનું આ નિવેદન પાકિસ્તાનના ચૂંટણી પંચના એ નિર્ણય બાદ આવ્યું છે, જેમાં ચૂંટણી પંચે પાકિસ્તાનના પંજાબમાં યોજાનારી પ્રાંતીય ચૂંટણીને સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે.
દેશમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિને ટાંકીને ચૂંટણી પંચે આ પગલું ભર્યું છે. જેનો ઈમરાન ખાનની પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1 માર્ચે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિધાનસભા ભંગ થયાના 90 દિવસની અંદર બંને રાજ્યોમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. આ અંતર્ગત પંજાબમાં એપ્રિલમાં અને ખૈબર પખ્તુનખ્વામાં મે મહિનામાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ હવે ચૂંટણી પંચે ચૂંટણીને ઓક્ટોબર સુધી સ્થગિત કરી દીધી છે. તેના પર ખ્વાજા આસિફનું નિવેદન કે ચૂંટણી કરાવવા માટે પૈસા નથી, તે સ્પષ્ટ સંકેત આપે છે કે પાકિસ્તાનની PMLN સરકાર અત્યારે ચૂંટણી કરાવવા માંગતી નથી.
ખ્વાજા આસિફે એમ પણ કહ્યું હતું કે પીટીઆઈ સરકાર દ્વારા પ્રાંતીય એસેમ્બલીનું વિસર્જન ગેરબંધારણીય હતું પરંતુ બંધારણીય રીતે તેમને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને તેઓ વિશ્વાસ મત ગુમાવ્યા હતા અને હવે તેઓ કોર્ટમાં હાજર પણ નથી થઈ રહ્યા. ખ્વાજા આસિફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ઈમરાન ખાને સરકારમાં PMLNના નેતાઓને જેલમાં ધકેલી દીધા હતા. ઉલ્લેખનીય છે કે હવે ઈમરાન ખાન આરોપ લગાવી રહ્યા છે કે પીએમએલએન સરકારમાં પીટીઆઈ કાર્યકર્તાઓને નિશાન બનાવીને જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન પર દેવાનો બોજ સતત વધી રહ્યો છે અને મોંઘવારી 31%ની નજીક પહોંચી ગઈ છે.
તેના વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાના આરે છે. પાકિસ્તાન સરકાર આર્થિક સંકટનો સામનો કરવા માટે IMF પાસેથી 1.1 અબજ ડોલરના ફંડની રાહ જોઈ રહી છે. પાકિસ્તાને IMFની ઘણી શરતો પૂરી કરી છે, પરંતુ હજુ સુધી IMFએ બેલઆઉટ પેકેજને મંજૂરી આપી નથી. શ્રીલંકાને બુધવારે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી તેના 330 મિલિયન ડોલરનો પહેલો આપી દીધો છે તેનું કારણ એ છે કે, શ્રીલંકાની વર્તમાન સરકારે IMFની શરતો અનુસાર પગલાં લીધાં છે તેનાથી સંતુષ્ટ થયા બાદ IMFએ રાહત પેકેજને મંજૂરી આપી છે.
પરંતુ પાકિસ્તાનને આઇએમએફે કોઇ ફંડ નહીં આપવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને બ્લેકલિસ્ટમાં મૂકીને ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે તેને અનેક તક આપી હતી પરંતુ પાકિસ્તાન તે શરત પુરુ કરી શક્યું ન હતું. તેનું કારણ એ છે કે, પાકિસ્તાનમાં ક્યારેય સ્થિર સરકાર રહી નથી. આતંકવાદીઓ સામે લડાઇ લડવાના નામે પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં કટોરો લઇને ફરે છે પરંતુ સાચી વાત એ છે કે મોટાભાગના આતંકવાદીઓને તે પરોક્ષ રીતે સમર્થન આપે છે. આ વાતના અનેક પુરાવા પણ આઇએમએફને મળ્યા છે એટલે પાકિસ્તાનને ફંડ નહીં આપવાનો નિર્ણય યોગ્ય જ છે.