દાલીયાવાડીમાં વરસાદી ગટરની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા સ્થાનિકો વિફર્યા
અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી સમારકામની કામગીરી શરૂ કરાવી
વડોદરા: શહેરના વોર્ડ નંબર 13ના દાલીયાવાડી વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી પાણી વિના રહીશો ત્રસ્ત બની ગયા છે. ગાજરાવાડી ઇદગાહ મેદાનથી દાલીયાવાડી માર્ગ સુધી વરસાદી ગટરની લાઇન નાખવાની કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટી જવાથી આ સમસ્યા ઉભી થઈ છે. પાણી વિના ત્રસ્ત રહીશો આજે રોષે ભરાયા હતા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાએ ગાજરાવાડી ઇદગાહ મેદાનથી દાલીયાવાડી માર્ગ સુધી વરસાદી ગટર નાખવાનું કામ હાથ ધર્યું છે. આ કામગીરી દરમ્યાન પાણીની લાઇન તૂટી જવાથી શ્રી વર્ધમાન એપાર્ટમેન્ટ સહિત આસપાસના કુલ 38 મકાનોમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. રહીશોનું કહેવું છે કે, પાંચ દિવસથી તેઓ પાણી વિના તકલીફ ભોગવી રહ્યા છે, છતાં કોન્ટ્રાક્ટર અને પાલિકા બંનેએ યોગ્ય પગલા લીધા નથી.
રહીશો દ્વારા રજૂઆત છતાં કોન્ટ્રાક્ટરે જવાબદારી કોર્પોરેશન પર ઢોળી દીધી હતી. પરંતુ સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો વિફર્યા હતા. ગુસ્સે ભરાયેલા રહીશોએ આજે કોન્ટ્રાક્ટરના શ્રમિકો પાસે રહેલા ત્રિકમ, પાવડા અને તગારા જેવા સાધનો ઝૂંટવી લઈ કામગીરી બંધ કરાવી હતી. રહીશોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટરે લાઇન તૂટ્યા બાદ રીપેર કરવાના સ્થાને ખાડો પુરાવી દીધો હતો અને સુરક્ષાના ભાગરૂપે કોઈ આડશ પણ ઉભી કરી નથી. રહીશો સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે, અમને વરસાદી ગટરની કામગીરીથી નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાંધો છે. જ્યાં સુધી અમારા ઘરોમાં પાણી નહીં આવે ત્યાં સુધી આ કામ આગળ નહીં વધવા દઈએ. તંત્રએ હાલ પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. વધુમાં પાલિકાનો દાવો છે કે, ઘણા કિસ્સામાં સમાંતર પાઇપલાઇનો હોવાથી આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે, તેના સમારકામની જવાબદારી પણ ઇજારદારની જ હોય છે.