વડોદરા, તા. 20
વડોદરા શહેરમાં પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણા વિસ્તારમાં આવેલા તળાવમાંથી મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. આધેડે આપઘાત કર્યો છે કે પછી કોઈ ગુનાહિત ઘટનાને અંજામ આપી લાશ તળાવમાં ફેંકવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં રહેતા ભરતભાઈ પરમાર માનસિક રીતે બીમાર હતા અને તેઓ સેવ-ઉસળની એક દુકાનમાં નોકરી કરતા હતા. છેલ્લા પાંચ દિવસથી તેઓ નોકરી પર હાજર ન થતા દુકાન માલિકને શંકા જતા તેમના ઘર સહિત આસપાસ તપાસ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ અત્તો-પત્તો ન લાગતા આખરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેમની ગુમશુદગી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નહોતી.
આ દરમિયાન વાસણા ખાતે આવેલા તળાવમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો દેખાતા સ્થાનિકોએ આ બાબતની જાણ દુકાનના માલિક તથા ગોત્રી પોલીસને કરી હતી. જાણ મળતા જ પોલીસ અને સંબંધિત લોકો તાત્કાલિક તળાવ પાસે પહોંચ્યા હતા. મૃતદેહને બહાર કાઢતા તેની ઓળખ ભરતભાઈ પરમાર તરીકે થઈ હતી.
મૃતદેહ મળ્યાની ખબર ફેલાતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તળાવ પાસે એકત્ર થયા હતા. ઉપરાંત ગુમ થયેલા ભરતભાઈ પરમારના પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ભરતભાઈએ તળાવમાં છલાંગ લગાવી આપઘાત કર્યો છે કે પછી તેમની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.