વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ શાકમાર્કેટના વેપારીઓ દ્વારા વર્ષોથી વેરા અને ભાડાંના રૂપમાં બાકી રહેલા લાખો રૂપિયાની રકમ હવે પાંચ કરોડથી વધુ જતા આજે પાલિકાએ આકરા પગલાં ભર્યા હતા. શહેર મ્યુનિસિપલ કોર્પોરેશને આજે આ બાબતે કડક વલણ અપનાવતાં માર્કેટના ઓટલાં પર પતરા મારીને સીલિંગ કરવાની કામગીરી હાથ ધરી હતી. શરૂઆતમાં સાત જેટલા ઓટલાં સીલ કર્યા બાદ, એક સ્થાનિક રાજકીય નેતાની ઘટનાસ્થળે હાજરી રહી હતી. તેઓએ પાલિકા અધિકારીઓ સાથે ચર્ચા કરી, સીલિંગ રોકવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. પાલિકાના અધિકારીઓએ તેમની રજૂઆતને માન આપી તાત્કાલિક કાર્યવાહી અટકાવી હતી. માહિતી અનુસાર, ગોરવા શાકમાર્કેટની સ્થાપનાકાળમાં પાલિકાએ જાહેર હરાજી દ્વારા ઓટલાં વહેંચ્યા હતા. ઉંચી કિંમતે ઓટલાં મેળવ્યાં બાદ વેપારીઓ હવે ભરપાઈ કરી શકતા નથી. વેપારીઓનું કહેવું છે કે કોરોનાકાળ દરમિયાન વસૂલાયેલ ભાડું માફ કરવામાં આવે તો તેઓ નિયમિત રીતે બાકી ભરપાઈ કરવા તૈયાર છે. પાલિકાના જણાવ્યા અનુસાર, વર્ષ 2019 થી અત્યાર સુધીની પેમેન્ટ બાકી રહ્યું છે અને શરતો મુજબ વારંવાર નોટિસ ફટકારવા છતાં જવાબદારીભર્યો પ્રતિસાદ મળ્યો ન હતો. તેથી દુકાનદારો સામે હવે કાયદેસર પગલાં તરીકે સીલિંગ અને કબજા પાછા લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પછી ચારથી પાંચ વેપારીઓએ તરતજ બાકી ભરપાઈ કરી હતી. જો આગામી દિવસોમાં પાલિકા અને વેપારીઓ વચ્ચે સંવાદ સ્થાપાય, તો આ વિવાદનું સુખદ સમાધાન શક્ય બને તેવી આશા છે.
