હાલોલ તાલુકામાં શોકજનક બનાવ
હાલોલ:
હાલોલ તાલુકાના અભેટવા પાંચમહુડી ગામના એક યુવાનનો મૃતદેહ રૂપાપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાંચમહુડી ગામના મંદિર ફળિયામાં રહેતા મુકેશભાઈ મહેશભાઈ પરમાર (ઉંમર 21) મંગળવારના રોજ ઘરેથી નીકળ્યા હતા. ત્યારબાદ સાંજના સુમારે હાલોલના રૂપાપુરા ગામ પાસેની નર્મદા મુખ્ય કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર તેઓ કૂદી પડ્યા હોવાની આશંકા છે. બનાવની જાણ થતાં પરિવારજનો અને ગામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક હાલોલ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
ફાયર ફાઇટર ટીમે મોડી રાત સુધી કેનાલમાં શોધખોળ કરી હતી, પરંતુ યુવકનો કોઈ પતો લાગ્યો ન હતો. સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને કલાકોની ભારે જહેમત બાદ મુકેશભાઈ પરમારનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવ અંગે હાલોલ રૂરલ પોલિસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
યુવકે આ પ્રકારનું પગલું શા માટે ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ઘટનાના તમામ પાસાઓ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી તપાસના પરિણામો આધારે હાથ ધરવામાં આવશે.
રિપોર્ટર : યોગેશ ચૌહાણ