શિનોર: શિનોર તાલુકાના સાધલીમાં પહેલીવાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનનારા સાધલી – સેગવા માર્ગનું ખાત મુહૂર્ત ધારાસભ્ય અક્ષય ભાઈ પટેલ દ્વારા કરાયું હતું.

સાધલીથી સેગવાને જોડતા સ્ટેટ હાઈવેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પહેલી વાર પ્લાસ્ટિક વેસ્ટમાંથી શિનોર સાધલી સ્ટેટ હાઇવેનો 10 કિલોમીટરનો માર્ગ બનાવાશે. વડોદરા ની શિવમ કન્સ્ટ્રક્શન.કુ કંપની દ્વારા રૂા. ૧૦.૧૯ કરોડના ખર્ચે સાધલીથી સેગવાનો સ્ટેટ હાઈવે બનાવાશે .
આ કરજણ તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે. આ રસ્તો સેગવા ગામથી સાધલી ગામને જોડે છે તેમજ સાધલીથી સેગવા ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે, અવાખલ, મીંઢોળ, માંજરોલ, તેરસા, ટીંગોળ વગેરે ગામોને ઉપયોગમાં આવે છે. આ કામગીરી પ્લાસ્ટીક વેસ્ટથી કરવા માટે સરકારની મંજૂરી મળી છે. આ કામગીરીમાં પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરીને ડામરની બી.સી.ની કામગીરી કરવાની થાય છે. જેથી યોજનાના માધ્યમથી પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ કરી પર્યાવરણનો બચાવ થાય છે. રસ્તા પર બે નવા બોક્સ કલ્વર્ટ તેમજ અવાખલ ગામ પાસે અને ફેક્ટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાના કારણે આર.સી.સી. ડ્રેઈનની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી કાયમી ધોરણે પાણી ભરાવાનો નિકાલ સમયસર થશે. પર્યાવરણનું સંરક્ષણ, મજબૂત રસ્તાની સાથે રોડની લાઈફ આ રોડ વધારશે
પાયલોટ પ્રોજેક્ટ થી ભવિષ્યમાં જિલ્લામાં અન્ય વિસ્તારોમાં આવા રોડ બનાવાય જેવી શકયતા છે. 7 વર્ષ ના સમયગાળા દરમિયાન સાધલી – સેગવા માર્ગ ખખડધજ થયો હતો.
આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર RNB અક્ષય જોષી , રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસીએસન. ભુપેન્દ્ર ગોહિલ વડોદરા જિલ્લા યુવા મોરચા સભ્ય ઉદીત ગાંધી સહિતના લોકો હાજર રહ્યાં હતા….