ફતેપુરા–માનગઢ માર્ગની દયનીય હાલતથી યાત્રાળુઓ પરેશાન: ડબલ ટ્રેક માર્ગની ઉઠી પ્રબળ માંગ
મરામત નહીં થતા ભક્તોમાં રોષ
(પ્રતિનિધિ) સુખસર, તા. 4
આદિવાસી સમાજની આસ્થા અને ગુરુ ગોવિંદની તપોભૂમિ તરીકે ઓળખાતા પવિત્ર માનગઢ ધામ તરફ જતાં ફતેપુરા–ડુંગર–ગઢરા માર્ગની હાલત અત્યંત ખરાબ બનતાં યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દરરોજ હજારો ભક્તો આવન-જાવન કરતા હોવા છતાં માર્ગના નવીનીકરણ અને ડબલ ટ્રેક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેને કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે.

પવિત્ર યાત્રાધામ હોવા છતાં માર્ગ સુવિધાનો અભાવ
માનગઢ ધામ ગુજરાત સહિત અનેક રાજ્યોના આદિજાતિ સમાજ માટે મહત્વપૂર્ણ યાત્રાધામ છે. અહીં 24 કલાક અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે અને દર પૂનમ, ખાસ કરીને માગસરી પૂનમે તથા 17 નવેમ્બરના બલિદાન સ્મૃતિદિને હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચે છે. છેલ્લા દાયકામાં ગુજરાત અને રાજસ્થાન સરકાર દ્વારા માનગઢ ધામનો વિકાસ કરવામાં આવ્યો હોવા છતાં મુખ્ય પહોંચ માર્ગોની સ્થિતિ અત્યંત નબળી છે.
ફતેપુરાથી ડુંગર, ગઢરા થઈ માનગઢ જતો માર્ગ હજુ પણ સિંગલ પટ્ટીનો અને અનેક જગ્યાએ તૂટેલો છે, જેના કારણે અકસ્માતની શક્યતા પણ વધી રહી છે.

ભમરીકુંડાનો માર્ગ પણ ધરાશાયી, તાત્કાલિક મરામતની માંગ
ગત ચોમાસા દરમિયાન ભમરીકુંડાથી માનગઢ જતો માર્ગ પણ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ ગયો હતો, છતાં આજદિન સુધી તેની મરામત કરવામાં આવી નથી. પરિણામે યાત્રાળુઓ તેમજ સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે ફતેપુરા–માનગઢ તેમજ ભમરીકુંડાના માર્ગોને તાત્કાલિક મરામત કરીને ડબલ ટ્રેક બનાવવામાં આવે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સુવિધાજનક પ્રવાસ મળી શકે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી