સંસ્કૃતિ અને સંગીતનો અનોખો સમન્વય
ગણપતિજીની સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી તરબોડ કર્યો હતો


( પ્રતિનિધી )વડોદરા,તા.27
પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલ ઉત્સવ વિદ્યાર્થીઓમાં એકતા શ્રદ્ધા તથા સકારાત્મકતા વધારવામાં સહાયરૂપ બને છે. ત્યારે એમએસયુની પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની ઢોલના તાલે પરંપરાગત સ્થાપના કરવામાં આવી હતી. આ વેળાએ વિદ્યાર્થીઓ મન મૂકીને ઘરબે પણ ઘૂમ્યા હતા.


મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિ અને આનંદનું વાતાવરણ છવાયું હતું. વિદ્યાર્થીઓએ એકતાભાવે ભજન, આરતી તથા ગણપતિ સ્તુતિઓ દ્વારા કાર્યક્રમને ધાર્મિક ઉર્જાથી સરોબર કર્યો હતો. મૂર્તિ સ્થાપનાની વિધિમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો એ પણ હાજરી આપી હતી. આ અવસરે ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રો.ગૌરાંગ ભાવસારે વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવી જણાવ્યું હતું કે, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા ઉત્સવો વિદ્યાર્થીઓમાં એકતા, શ્રદ્ધા તથા સકારાત્મકતા વધારવામાં સહાયરૂપ બને છે.કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ શ્રી ગણેશજીની આરતી કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો.