Vadodara

પરિણીતા પાસે દહેજની માગણી કરી મારમારી,ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

લગ્નના પાંચ માસ બાદ જ પતિ, સાસુ, દિયર-દેરાણીએ નાની નાની વાતોમાં ઝઘડા શરૂ કર્યાના આક્ષેપો

લખનૌવ શિફ્ટ થવાનું છે તેમ જણાવી રૂ.10 લાખની માગણી કરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 22

શહેરના આજવારોડ ખાતે છેલ્લા બે વર્ષથી મુસ્લિમ પરિવાર સાથે રહેતી પરિણીતાના લગ્ન બે વર્ષ અગાઉ સમાજના યુવક સાથે રીતિરિવાજ મુજબ થયા હતા. લગ્નના પાંચ માસ બાદ જ સાસરિયાઓએ દહેજ, તિજરી ની માગણી સાથે નાની નાની વાતે ઝઘડો કરવાનુ શરૂ કર્યું છતાં પરિણીતા પોતાના લગ્નજીવન ને ટકાવી રાખવા બધાં અત્યાચારો સહેતી રહી ત્યારબાદ પતિએ લખનૌ શિફ્ટ થવાનું જણાવી પરિણીતા તથા તેમના પરિવાર પાસેથી દસ લાખની માગણી કરી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકતા પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, શહેરના સયાજીપાર્ક, આજવારોડ ખાતે આવેલા કે.જી.એન. પાર્ક ખાતે છેલ્લા બેવર્ષથી રહેતી શબનમ ફિરોજખાન (ઉ.વ.27) જેઓ એચ.ડી.એફ.સી. બેન્કમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના લગ્ન બે વર્ષ પહેલા તા. 08-05-2022 ના રોજ મુસ્લિમ સમાજના રીતરિવાજ મુજબ અકોટા પોલીસ લાઇન પાછળના સિદરા એપાર્ટમેન્ટમાં રહેતા ફિરોજખાન સાથે થયા હતા. લગ્ન બાદ કરિયાવર સાથે પરિણીતા પતિ તથા સાસરિયા સાથે સ્ટાર રેસિડેન્સી, કિસ્મત ચોકડી તાંદલજામા રહેવા ગયા હતા જ્યાં પાંચ માસ બાદ સાસુ, પતિ, દિયર-દેરાણી દ્વારા નાની નાની વાતોમાં ઘરકંકાસ શરૂ કરી દીધો હતો અને દહેજમાં બે લાખ રૂપિયા તથા તિજરી પણ કરિયાવરમા આપેલ નથી તેમ કહી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા છતાં પરિણીતા મુંગા મોઢે બધું સહન કરી લગ્નજીવન બચાવી રાખવા રહેતી હતી ત્યારબાદ વર્ષ-2022 માં પતિએ લખનૌ શિફ્ટ થવાનું હોય રૂ. 10 લાખની માગણી કરી હતી પરંતુ પરિણીતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય રૂ.10 લાખની રકમ લાવી શકે તેમ ન હોવાનું પરિણીતાએ પતિને જણાવતા પતિએ પહેરેલા કપડે કાઢી મૂકી હતી જો કે સમાજ પરિવારના સમજાવટથી દસ દિવસ બાદ પતિ તથા પતિના મિત્રો પરિણીતાને સાસરીમાં તેડી લાવ્યા હતા ત્યારબાદ ત્રણેક મહિના બાદ જમવાની બાબતે ઝઘડો કરી સાસુ દિયરની મદદગારીથી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો પરિણીતાએ કર્યા હતા ત્યારબાદ વર્ષ-2023 માં પરિણીતાને એપેન્ડિક્સ નું ઓપરેશન કરાવેલ હોય પરિણીતાના માતા પિતા તેડવા આવ્યા હતા તે દરમિયાન પરિણીતાના પતિએ સાસુ સસરા પાસે લખનૌ જવા રૂ.દસ લાખની માગણી કરી હતી જેથી સસરાએ જમાઇને પોતાની સ્થિતિ ન હોય રૂપિયા આપવાની ના પાડતા જમાઇએ પરિણીતાને તથા પોતાના સાસુ સસરાને ગંદી ગાળો આપી તમારી દીકરી વાંઝણી છે મારે રાખવી નથી તેમ કહી તલાક આપી દેવા જણાવ્યું હતું અને ત્રણ વાર તલાક તલાક તલાક બોલી પરિણીતા તથા તેના માતાપિતાને અપમાનિત કર્યા હતા જેથી છેલ્લા બે વર્ષથી પરિણીતા પોતાના માતાપિતાને ઘરે રહે છે અને પતિએ તમામ સંપર્ક બંધ કરી દેતાં પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ફિરોઝ મહંમદ અનીશખાન, સાસુ, દિયર, દેરાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top