Charotar

પરિએજ તળાવની આગમાં મગરનું મોત

વિકાસના નામે પર્યાવરણનો ખો નિકળ્યો | ખેડા વન વિભાગ અને સિંચાઇ વિભાગની બેદરકારીથી પરિએજ તળાવની ઘોર ખોદાઇ

પરિએજ તળાવના ડેવલપમેન્ટ પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરની નફાખોરી અને વન વિભાગ – સિંચાઇ વિભાગનું પાપ

(પ્રતિનિધિ) માતર તા.19

માતરના પરિએજ તળાવના બ્યુટિફિકેશનના ચાલતા પ્રોજેક્ટમાં મુઠીભર નાણા બચાવવા તથા વન વિભાગ – સિંચાઇ વિભાગની ભ્રષ્ટાચારની ખોરી દાનતના કારણે તળાવના મગર સહિતના જીવોના અસ્તિત્વ પર જોખમ ઉભુ થયું છે. હાલમાં પાંચેક દિવસથી લાગેલી આગમાં મગરનું મોત નિપજ્યું છે. આમ છતાં વન વિભાગ હજુ ખોંખારો ખાઇને સ્વીકારતું નથી. સરકારી તંત્રના પાપના કારણે પરિએજ તળાવ અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણની ખો નિકળી ગયો છે.

માતરના પરિએજ તળાવના બ્યુટિફિકેશનની કામગીરી પાછળ કરોડોનો ખર્ચ કરી વાહવાહ મેળવવા જતાં પર્યાવરણનો ખો નિકળી રહ્યો છે. માતર પરિએજનું બ્યુટિફિકેશન કરતાં કોન્ટ્રાક્ટરે તળાવની આસપાસ ઘાસ, ઝાડી – ઝાંખર દુર કરી તેને સળગાવવાનું મોટું પાપ કર્યું હતું. આ ઝાડી – ઝાંખર, ઘાસ સળગાવતા ત્રણ મગરના મોત નિપજવાનો બનાવ બહાર આવતાં પર્યાવરણ પ્રેમીમાં અરેરાટી વ્યાપી છે. આ ઉપરાંત વન વિભાગ અને સિંચાઇ વિભાગની બેદરકારી સામે રોષ પણ વ્યક્ત કર્યો છે.

વિદ્યાનગરના નેચર હેલ્પ ફાઉન્ડેશનના રાહુલ સોલંકીએ જણાવ્યું હતું કે, પરિએજ તળાવની ચાલતી કામગીરીમાં બે – અઢી મહિના પહેલા તળાવ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે, આ તળાવ ખાલી કર્યા બાદ નજીકના વેસ્ટ લેન્ડ કે જ્યાં ઊંચા ઘાસનો વિસ્તાર છે. અહીં મગરોની વસાહત આવેલી છે. જ્યાં પાંચેક દિવસ પહેલા આગ લાગી હતી. આ આગ દરમિયાન મગર જોવા મળતાં તુરંત સંસ્થાને જાણ કરતા 40થી 50 સ્વયંસેવકો સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. અહીં મગરના રેસક્યુ દરમિયાન વિવિધ વસાહત જોવા મળી હતી. આથી, વધુ મગર હોવાનું જણાતાં તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં છ મગર તેની ગુફામાં મળી આવ્યાં હતાં. જોકે, તેમાંથી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના પાંચનું રેસક્યુ કરી તેને છોડી દેવામાં આવ્યાં હતાં.

આગનું મુખ્ય કારણ જાણવા લીંબાસી સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, પરિયેજ તળાવની જ્યાં કામગીરી ચાલે છે ત્યાં આગ લાગી નથી. આગ બાજુમાં ખેડૂતના ખેતરના પાળા બનાવ્યા હોય તેમાં આગ લાગી હતી.

વન વિભાગે પોતાની બેદરકારી પર ઢાંક પીછોડા શરૂ કર્યા

માતરના ફોરેસ્ટ અધિકારી પ્રિતેશભાઈના જણાવ્યા અનુસાર, પરિયેજ તળાવમાં હાલ કામગીરી ચાલુ હોય ત્યાં કામ કરતા મજૂરોને એક મગર દેખાતા તેમને અમોને જાણ કરી હતી. તે પછી અમારા સ્ટાફે ત્યાં જઈને મગરનો રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં આજુબાજુમાં બીજા મગર છે કે નહી તે તપાસ કરતા બીજા પણ મગર જોવા મળતા તેના પણ રેસ્ક્યુ કર્યા હતા. આ આગ ત્રણ દિવસ પહેલા લાગી હતી અને તપાસ કરતા ત્યાં મગર મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

Most Popular

To Top