પ્રતિનિધિ વડોદરા તા. 9
વડોદરા શહેરના પરશુરામ વિસ્તારમાં રબારીવાસમાં આજરોજ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી દ્વારા રસ્તે રખડતા ઢોરો ને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. શહેરમાં અવારનવાર રસ્તે રખડતા ઢોરોને કારણે અકસ્માતો થતા હોય છે અને તેવામાં જ વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટી રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી શહેરના વિવિધ વિસ્તારોમાં કરતી હોય છે. જે સમયે ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ પરશુરામ ભટ્ટામાં આવેલ રબારીવાસમાં પહોંચ્યા હતા ત્યારે ત્યાં રહેતા એક ગૌ પાલક દ્વારા કોર્પોરેશન વિરુદ્ધ આક્ષેપો કરાયા હતા.
એક પશુપાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા તેમની ગાયને ઘરની બહાર જ બાંધવામાં આવી હતી અને ઢોર પાર્ટીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા બાંધેલી ગાયને છોડીને અડધો કિલોમીટર ધસેડીને ડબ્બામાં પુરવામાં આવી હતી. આ બનાવ બાદ ઘઉં પાલકો ખૂબ જ રોષે ભરાયા હતા. ગૌપાલકો અને મહાનગરપાલિકા ના અધિકારીઓ વચ્ચે શાબ્દિક યુદ્ધનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
કોર્પોરેશનના અધિકારી એ જણાવ્યું હતું કે ગૌપાલક દ્વારા તેમને કાર્યવાહી બાબતે અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગૌ પાલક દ્વારા કરવામાં આવેલ આક્ષેપો પર જણાવ્યું હતું કે તેમને આ વિસ્તારની જવાબદારી તંત્ર દ્વારા સોંપવામાં આવી છે જેથી તેમના દ્વારા આ વિસ્તારમાં રખડતા ઢોરોને પકડવાની કામગીરી કરવામાં આવે છે.