પીવાનું પાણી આપો અથવા સત્તા છોડો’ના નારા સાથે વિસ્તાર ગજવ્યો; ગંદા અને ઓછા દબાણવાળા પાણીથી રહીશોમાં ભારે આક્રોશ




વડોદરા: શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી પીવાના પાણીની સમસ્યાને લઈને આજે સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. વિસ્તારની મહિલાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને ‘માટલા ફોડ’ કાર્યક્રમ દ્વારા પાલિકા તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સુત્રોચ્ચાર કરી આખો વિસ્તાર ગજવી મૂક્યો હતો.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા દબાણથી મળતું નથી. જે પાણી આવે છે તે પણ અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા આજે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
વિરોધ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું હતું કે, “અમે વેરો ભરીએ છીએ છતાં અમને પાયાની સુવિધા જેવું શુદ્ધ પાણી પણ મળતું નથી. કલાકો સુધી પાણીની રાહ જોવી પડે છે અને જે પાણી આવે છે તે વાપરવા લાયક હોતું નથી.” રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે, ત્યારે પરશુરામ ભઠ્ઠાના આ દ્રશ્યો પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વિરોધ બાદ તંત્ર જાગશે કે રહીશોએ હજુ પણ ગંદા પાણીની સમસ્યા વેઠવી પડશે.