કોર્પોરેશન અને રેલવે વચ્ચેના સંકલનના અભાવે હજારો રહીશો ગંદા પાણીમાં રહેવા મજબૂર; માંદગીના ખાટલામાં જીવતા લોકોમાં રોષ
વડોદરા :;શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં આવતા અને વિશ્વામિત્રી નદીના કાંઠે વસેલા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ડ્રેનેજની ગંભીર સમસ્યાથી સ્થાનિકો લાંબા સમયથી પીડાઈ રહ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આ વિસ્તાર માટે ડ્રેનેજ નાખવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં, રેલવે વિભાગની મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાલ અટકી પડ્યો છે.

પરશુરામ ભઠ્ઠા અને તેની આસપાસની સોસાયટીઓમાં ડ્રેનેજ નાખવા માટે જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, તે રેલવેની હદમાંથી પસાર થાય છે. નિયમ મુજબ, રેલવે ટ્રેક નીચેથી અથવા તેની જમીનમાંથી પાઈપલાઈન નાખવા માટે વેસ્ટર્ન રેલવેના ટેકનિકલ વિભાગની મંજૂરી લેવી અનિવાર્ય છે. છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા આ અંગે પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે, પરંતુ રેલવે દ્વારા હજુ સુધી ગ્રીન સિગ્નલ મળ્યું નથી.
વરસાદી મોસમ હોય કે સામાન્ય દિવસો, પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો ઉભરાવાની સમસ્યા કાયમી બની ગઈ છે. ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળવાને કારણે દુર્ગંધ અને મચ્છરોનો ત્રાસ વધ્યો છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, “પાલિકા પ્રોજેક્ટની વાતો કરે છે, પણ જમીન પર કોઈ કામ થતું નથી. ગંદા પાણીને કારણે નાના બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાઈ રહી છે. જો વહેલી તકે મંજૂરી નહીં મળે તો પરિસ્થિતિ વધુ વણસશે.”
પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રેનેજ પ્રોજેક્ટ માટેનું ટેન્ડરિંગ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણતાના આરે છે. રેલવે વિભાગ સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે અને જરૂરી ફીની ચુકવણી અને પ્લાનિંગની વિગતો પણ સોંપવામાં આવી છે. રેલવે તરફથી મંજૂરી મળતા જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આ વિસ્તારના સ્થાનિક નેતાઓએ પણ આ મુદ્દે મધ્યસ્થી કરી રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરી છે. આગામી સમયમાં જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રેલવે અને કોર્પોરેશન વચ્ચેના આ સંકલનના અભાવનો ભોગ સામાન્ય જનતા બની રહી છે.