બે દિવસમાં યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો પાણી પૂરવઠા વિભાગના જે તે જવાબદાર અધિકારીઓને આ ગંદું પાણી પીવડાવવાની સ્થાનિકોની ચિમકી
વડોદરા: શહેરના ઇલેક્શન વોર્ડ નં 12 માં સયાજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠા સ્થિત ભીમનાથ ખાડા વિસ્તારમાં મહારાષ્ટ્રિયન યુવક મંડળ ખાતે છેલ્લા બે વર્ષથી પીવાનું ગંદુ પાણી આવી રહ્યું હતું. જો કે સ્થાનિકોની અવારનવાર રજૂઆતો બાદ વચ્ચે થોડા સમય સુધી સ્થિતિ સુધરી હતી. પરંતુ ત્યારબાદ છેલ્લા દોઢેક મહિના ઉપરાંતથી અહીં ડ્રેનેજ મિશ્રિત ગંદું પીવાનું પાણી આવતા સ્થાનિકો બિમારીઓનો ભોગ બની રહ્યા છે.

સ્થાનિકો દ્વારા વોર્ડ ઓફિસ, ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરો સહિત પાલિકાના અધિકારીઓ ને અનેક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકોએ એકત્રિત થઈ ગંદા પાણી સાથે પાલિકા તંત્ર સામે આક્રોશ સાથે વિરોધ દર્શાવ્યો હતો. સાથે જ જો આગામી બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો પાલિકા કચેરી ખાતે પહોંચી પાણી પૂરવઠા વિભાગના જે તે જવાબદાર અધિકારીઓને ગંદું પાણી બોટલમાં લઈ જઇ પીવડાવવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

