Vadodara

પરપ્રાંતીઓને ભાડે આપેલા મકાનોને લઈને ભાયલી અર્બન રેસીડેન્સીના રહેવાસીઓમાં ઉઠ્યો રોષ

એકલા પરપ્રાંતી પુરુષો ભાડુઆતોના રહેઠાણથી મહિલા અને બાળકોમાં અસુરક્ષાની લાગણી

અધિકારીઓને અનેકવાર ફરિયાદ છતાં તપાસ ન થતાં રહેવાસીઓનો તંત્ર વિરુદ્ધ આક્રોશ

પરપ્રાંતિયોને ભાડે આપનાર મકાનમાલિકો સામે કડક કાર્યવાહી કરવાની રહેવાસીઓની માગ

વડોદરા: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ અર્બન રેસીડેન્સીના રહેવાસીઓએ ઘર સુરક્ષા અને સમાજની શાંતિ અંગે ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. પીએમ આવાસ યોજનાના આ સોસાયટીમાં, અનેક મકાન માલિકોએ તેમના ઘરો પરપ્રાંતિય પુરુષોને ભાડેથી આપી દીધા છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ ઘરોમાં મોટા ભાગે એકલા પુરુષો જ રહે છે, જેના કારણે જગ્યાએ ગંદકી વધતી જાય છે અને સોસાયટીમાં વસવાટ કરતી મહિલાઓ તથા બાળકો અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.

રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે, “ભાડે રહેતા પુરુષો મોટાભાગે રોજગારને કારણે બહાર જતા હોય અને મોડીરાત્રે પરત આવતા હોય છે. કેટલીકવાર તેઓ દ્વારા સોસાયટીમાં ગેરવ્યવસ્થા, જાહેર સ્થળોએ અશિસ્ત ભર્યો વર્તન તેમજ ગંદકી કરતા જોવા મળે છે. આ પરિસ્થિતિને કારણે મહિલાઓને સાંજ પછી બહાર નીકળવામાં પણ ડર લાગે છે.”

સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં રહેનારા ભાડુઆતોના આધાર કાર્ડ અને દસ્તાવેજોમાં પણ ગુજરાતનું સરનામું નથી. આવા પરપ્રાંતીઓને ભાડે આપનાર મકાન માલિકોને જવાબદાર ગણાવતા રહેવાસીઓએ માંગ કરી છે કે પોલિસ અને મ્યુનિસિપલ તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે.
સોસાયટીના રહેવાસીએ જણાવ્યું હતું, “અમે વુડામાં અને નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે લેખિતમાં જાણ કરી છે, છતાં હજુ સુધી કોઈ અધિકારી કે પોલીસ તપાસ માટે આવ્યા નથી. હવે જો ટૂંક સમયમાં કામગીરી નહીં થાય તો રહીશો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.”
આ ઘટનાક્રમને કારણે સોસાયટીમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું છે. મહિલા રહેવાસીઓએ ખાસ કરીને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી અને તંત્રને ચેતવણી આપી કે જો વહેલી તકે યોગ્ય પગલા નહીં લેવાય તો તેઓ રસ્તા પર ઉતરી પોતાની માંગણીઓ માટે લડત લડશે.

Most Popular

To Top