ગ્રાહકો સાથે પનીરના નામે ‘ખેલ’ ખતમ, હવે હોટેલના મેનુમાં ‘અસલી’ કે ‘નકલી’ (એનાલોગ) લખવું પડશે ફરજિયાત
પાલિકાનું મેગા ઓપરેશન, 150 હોટેલોને નોટિસ આપી જાણ કરવામાં આવી, 14 મેન્યુફેક્ચરિંગ યુનિટોમાં દરોડા, આરોગ્ય વિભાગે ફૂડ સેફ્ટીના નિયમોમાં પારદર્શિતા વધારી

(પ્રતિનિધિ), વડોદરા. તા.13
શું તમે પનીર ટીક્કા કે પનીર બટર મસાલાના શોખીન છો ? જો હા, તો સાવધાન થઈ જજો ! તમે જે મોંઘા ભાવે પનીરની વાનગી ખાઓ છો, તે કદાચ શુદ્ધ દૂધમાંથી બનેલું પનીર નહીં પણ વનસ્પતિ તેલ અને પાવડરમાંથી બનેલું ‘એનાલોગ પનીર’ હોઈ શકે છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતી આ છેતરપિંડી રોકવા માટે તંત્રએ ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવેથી શહેરની દરેક હોટેલ અને રેસ્ટોરન્ટે પોતાના મેનુ કાર્ડમાં સ્પષ્ટપણે જાહેર કરવું પડશે કે તેઓ કયું પનીર પીરસે છે.
લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે હોટેલ ઉદ્યોગમાં ખર્ચ ઘટાડવા માટે અસલી પનીરના સ્થાને ‘એનાલોગ પનીર’ (વેજીટેબલ ફેટ યુક્ત પનીર) નો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રાહકો પનીર સમજીને જે આરોગે છે તે હકીકતમાં દૂધના પ્રોટીન વગરનું હોય છે. આ બાબતે ખાદ્ય સુરક્ષા અંગે વધુ પારદર્શિતા લાવવા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
પાલિકા કમિશનર અરુણ મહેશ બાબુની કડક સૂચના બાદ, અધિક આરોગ્ય અમલદાર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમોએ મેદાનમાં ઉતરી છે. છેલ્લા એક અઠવાડિયામાં શહેરના વિવિધ ઝોનમાં ફૂડ ઇન્સ્પેક્ટરોએ વાવાઝોડાની ગતિએ તપાસ શરૂ કરી છે. જેમાં 150 થી વધુ હોટેલોના મેનુ કાર્ડમાં સુધારા કરવા અને ગ્રાહકોને અંધારામાં ન રાખવા કડક તાકીદ કરવામાં આવી છે. પનીર બનાવતા મોટા યુનિટોમાં કાચા માલની ગુણવત્તા અને તેમાં થતી મિલાવટની તપાસ કરવામાં આવી હતી.
સરકારી પરિપત્ર મુજબ હવે માત્ર ‘પનીર’ શબ્દ વાપરવો ગુનો બની શકે છે જો તે એનાલોગ હોય. રેસ્ટોરન્ટના મેનુમાં વાનગીના નામની નીચે અથવા બાજુમાં એનાલોગ પનીર વપરાયેલ છે તેવું લખાણ ફરજિયાત છે. પનીર વેચનારાઓએ પેકિંગ પર તે ‘મીડિયમ ફેટ’ છે કે ‘લો ફેટ’ છે તેની વિગતો છાપવી પડશે. ગ્રાહક ઓર્ડર આપતા પહેલા જાણી શકશે કે તે જે ખાઈ રહ્યો છે તેની ગુણવત્તા કેવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, એનાલોગ પનીર દેખાવમાં અને સ્વાદમાં અસલી પનીર જેવું જ લાગે છે, જેના કારણે ગ્રાહકો સહેલાઈથી છેતરાઈ જાય છે. આ મિલાવટ અટકાવવા માટે જ મેનુ કાર્ડમાં ડિસ્ક્લેમર લખવું ફરજિયાત બનાવાયું છે. જો કોઈ પણ સંસ્થા આ સૂચનાનું ઉલ્લંઘન કરતી જણાશે, તો તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય વિભાગની આ ઝુંબેશથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તામાં સુધારો આવશે તેવી આશા સેવાઈ રહી છે. હવે પછી જ્યારે તમે ફેમિલી સાથે જમવા જાઓ, ત્યારે મેનુ કાર્ડમાં પનીરની આગળ-પાછળ લખેલા અક્ષરો વાંચવાનું ભૂલતા નહીં.