સોમનાથ જતા પહેલા વડોદરા પહોંચેલા રિતિકે કહ્યું, માત્ર 500 રૂપિયા લઇને 13400 કિમીની યાત્રાએ નીકળ્યો હતો, હજુ 400 બચ્યા છે, ભોળાનાથ જ યાત્રાની સંભાળ રાખે છે
વડોદરા: ગત તા. 1લી ડિસેમ્બર,2022 થી પંજાબના ભટીંડાથી 12 જ્યોતિર્લિંગ અને ચાર ધામની 13,400 કિલોમીટર ની પગપાળા યાત્રાએ નિકળેલા રિતીક સક્સેના નામના યુવાન કેદારનાથ, પશુપતિનાથ, કાશીવિશ્વનાથ, વૈજનાથ,જગન્નાથપુરી, શ્રી ચેલ્લમ, તિરૂપતિ બાલાજી, રામેશ્વરમ, આદિનાથ, ભીમાશંકર, ત્ર્યંબકેશ્વર પગપાળા યાત્રા દર્શન કરી અંદાજે 9,350 કિલોમીટર નું અંતર કાપી ચૂક્યા છે . હવે અહીંથી અંદાજે 650 કિલોમીટર સોમનાથ જવા રવાના થયો ત્યારે આજે તે વડોદરા શહેરમાં આવી પહોંચ્યો હતો. રિતીક સક્સેનાએ જણાવ્યું હતું કે,ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને યાત્રાની શરૂઆત કરી હતી. યાત્રા દરમિયાન તેને ઠેર ઠેર આવકાર અને સહયોગ પ્રાપ્ત થતા હજી પણ તેની પાસે 400 રૂપિયા બચ્યા છે. યાત્રા દરમિયાન તેણે પોતાના સુખદ અનુભવનું વર્ણન કરતા જણાવ્યું કે, શિવભક્તિના માર્ગે નીકળ્યો છું ત્યારે તેની ડગલે પગલે વ્યવસ્થા ભગવાન કરી રહ્યા છે તે 12 જ્યોતિર્લિંગ તથા ચારધામ યાત્રા પગપાળા જ પૂરી કરશે.હાલ એકતરફ જ્યાં અન્ય શ્રધ્ધાળુઓ ચારધામની યાત્રા ચાલી રહી છે તેમાં સુખ સગવડ સાથેની સુવિધાઓ શોધે છે ત્યાં આ શિવભક્ત આકરી ગરમીમાં 13,400 કિલોમીટર ની યાત્રા પગપાળા કરી રહ્યો છે.તે દરરોજના 20 થી 25 કિલોમીટરનું અંતર પગપાળા થકી કાપી રહ્યો છે તે અંગે તેણે જણાવ્યું હતું કે, ગરમી ખૂબ જ હોવાથી દિવસે ઘણીવાર 18 થી 20 કિલોમીટર જ કાપી શકાય છે જ્યારે રાત્રિ દરમિયાન 25 કિલોમીટર અંતર ઠંડકમા કપાય છે.
