Vadodara

પગપાળા નર્મદા પરિક્રમા કરવું હવે લગભગ અશક્ય, કિનારાના બેરીકેટ સુધી પાણી ફરી વળ્યાં

  • સાધુ સંતો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
  • પરિક્રમા કરવી હોય તો પગે ચાલી-મોટર માર્ગે કરી શકાશે

ચૈત્ર મહિનામાં થતી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા હાલમાં પગપાળા બંધ છે. અને માત્ર મોટર માર્ગે ચાલી રહી છે. આ પરિક્રમા 8 મેના રોજ પૂર્ણ થવાની છે ત્યારે આ વર્ષે નર્મદા પરિક્રમા પગપાળા કરવી હવે લગભગ અશક્ય બન્યું છે. કારણ કે કિનારાના બેરીકેટ સુધી પાણી ફરી વળ્યું છે.

ઈન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર નર્મદા ખાતેથી રિવરબેડ પાવર હાઉસ શરૂ કરાતા 30 હજાર ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવા અંગેનો નિર્ણય લેવાયો હતો. જેના પગલે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક થઇ હતી.  શહેરાવ ઘાટ ખાતે બનાવેલો કાચો બ્રિજ પાણીમાં સંપૂર્ણ ધોવાઈને ગરકાવ થયો છે. તેના પગલે પરિક્રમા ઉપર હંગામી  રોક લગાવવામાં આવી છે. વૈકલ્પિક આયોજન માટે સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા સમૂહ ચિંતન-મંથન કરી ગુરૂવારે વહેલી સવારે પાણીના પ્રવાહનું નિરીક્ષણ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ અધિકારી જે.કે.જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિતનાઓની ટીમ સાથે પાણીના પ્રવાહની રિયલ પરિસ્થિતિના ફોટો -વીડિયો દ્વારા નર્મદા નદીના દ્રશ્યો કેદ કર્યા હતા. NDRF ની બોટ પણ પાણીના ધસમસતા પ્રવાહમાં સ્થિરતાથી સંચાલન થઈ શકે તેવી સ્થિતિમાં નથી તેવું NDRFની ટીમોનો પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. બોટ સંચાલન માટેની જેટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નદી કિનારે ઊભા કરાયેલા પેગોડામાં પણ પાણી ભરાઈ ગયા છે. બેરિકેડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી પરિક્રમાર્થીઓ જેમાં બાળકો,વૃદ્ધો, મહિલાઓ, અશક્ત પણ જોડાતા હોય બોટમાંથી કિનારે ઉતરી શકે તેવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિ જોતાં પરિક્રમા હાલ શરૂ કરવી કઠિન છે. ત્યારે હાલમાં જો કોઈ શ્રધ્ધાળુએ પરિક્રમા કરવી હોય તો તે મોટર માર્ગે પરિક્રમા કરી શકે છે.  ગરૂડેશ્વર અને પોઈચા આ બે બ્રિજ આવે છે. આ રૂટ ઉપર શ્રદ્ધાળુઓ સરળતાથી પરિક્રમા કરી શકશે.

Most Popular

To Top