



( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરાના પંડ્યા બ્રિજ નીચે પૂર ઝડપે આવી રહેલી એસટી બસે બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓને અડફેટે લેતા બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જ્યારે એકનું હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતને પગલે ફતેગંજ પોલીસે બસ ચાલક વિરોધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે, તેવામાં આજે વહેલી સવારે શહેરના પંડ્યા બ્રિજ નીચે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. ગુજરાત એસટીની જામનગર વડોદરા બારીયાની ગુર્જર નગરી એક્સપ્રેસ એસટી બસે બાઈક પર સવાર ત્રણ યુવકોને અડફેટે લેતા બાઈક પર સવાર યુવાનો રોડ ઉપર પટકાયા હતા. ત્રણે યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ યુવકો પૈકી એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે ફતેગંજ પોલીસે એસટી બસના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.