સમિતિના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે તેવા પ્રયત્ન કરવા કટિબદ્ધતા દર્શાવી :
તમામ સભ્યોએ નવા અધ્યક્ષની વરણીને આવકારી :
( પ્રતિનિધી )વડોદરા,તા.15
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ પદે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. શહેર ભાજપ અધ્યક્ષે મેન્ડેટ ખોલી નવા અધ્યક્ષના નામની જાહેરાત કરી હતી. જ્યારે નવા અધ્યક્ષ તરીકે આદિત્ય પટેલની વરણીને તમામ સભ્યોએ આવકારી હતી.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નીશીધ દેસાઈનું હૃદય રોગના હુમલાના કારણે નિધન થયા બાદ તેમના સ્થાને કોને જવાબદારી મળે છે તે માટે ચર્ચાઓ શરૂ થઈ હતી. નિયમ મુજબ 21 દિવસમાં નવા અધ્યક્ષની વરણી કરવી જરૂરી હોવાથી તેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રીઓ સાથે મેન્ડેડ લઈને પહોંચ્યા હતાં. જે મેન્ડેટમાં આદિત્ય પટેલનું નામ નીકળ્યું હતું. તેઓના નામની જાહેરાત કર્યા બાદ કાર્યકારી અધ્યક્ષા અંજનાબેન ઠક્કરની અધ્યક્ષ સ્થાને સભા શરૂ કરવામાં આવી હતી. જેનામાં નવા ચેરમેન તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તેઓએ સરસ્વતી માતાની મૂર્તિનું પૂજન કર્યું હતું અને પદભાર સંભાળ્યો હતો.