(પ્રતિનિધિ), વડોદરા. તા. 7
વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી ઘટનાનો સિલસિલો યથાવત છે. મંગળવારે મોડી રાતે શહેરના ન્યૂ સમા રોડ વિસ્તારમાં વધુ એક ગંભીર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અભિલાષા ચાર રસ્તાથી સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ જતા માર્ગ પર આવેલા સ્વાતિ બસ સ્ટેન્ડ પાસે એક અજાણ્યા કારચાલકે ચાર રાહદારીઓને અડફેટે લીધા હતા અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માતમાં શાકભાજીની લારી લઈ જઈ રહેલા એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ રાહદારીઓમાંથી એક કપલને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, મહિલાને વધુ ઇજાઓ હોવાથી CT સ્કેન માટે લઈ જવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ સમા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાહદારીઓની પૂછપરછ શરૂ કરી છે અને ફરાર કારચાલકને શોધવા માટે તપાસનો દોર ઝડપી બનાવ્યો છે.

સદનશીબે આ ઘટનામાં મોટી જાનહાની ટળી, પરંતુ ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે વડોદરામાં અકસ્માતોના બનાવોમાં લગામ ક્યારે લાગશે? સાથે સાથે ટ્રાફિક પોલીસની કામગીરી અને માર્ગ સુરક્ષાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.