ઉનાળામાં વીજ ઉપકરણોના વધતા ઉપયોગ વચ્ચે ચેતવણીરૂપ ઘટના
સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાઈ છતાં બચાવી શકાઈ નહીં, પોલીસે તપાસ શરૂ કરી
વડોદરા:
શહેરના ન્યૂ વીઆઈપી રોડ વિસ્તારમાં કુલરનો વીજ કરંટ લાગતા ૨૫ વર્ષીય યુવતીનું મોત નીપજતાં વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉનાળાની શરૂઆત સાથે કુલર અને ફેન જેવા વીજ ઉપકરણોના વધતા ઉપયોગ વચ્ચે આ ઘટના લોકો માટે ચેતવણીરૂપ બની છે. ⚡
મળતી માહિતી મુજબ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી કૃષ્ણાનગર સોસાયટીમાં રહેતી આર. મુથુલક્ષ્મી વિચાન્દ્રાણ પોતાના રૂમમાં હાજર હતી ત્યારે ચાલુ કુલરમાંથી અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો. ઘટનાની જાણ થતા પરિવારજનોએ તરત જ યુવતીને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
પરંતુ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ યુવતીને મૃત જાહેર કરી હતી. અચાનક બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.