ન્યુમોનિયા સમજીને અનેક ઠેકાણે સારવાર કરાવી છતાં સુધારો નહોતો, જટિલ બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકની પીડાનો અંત આવ્યો



વડોદરા: કહેવાય છે કે ‘ડોક્ટર એ પૃથ્વી પર ભગવાનનું બીજું રૂપ છે’. આ ઉક્તિને વડોદરાની જી.એમ.ઈ.આર.એસ. ગોત્રી હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. આણંદ જિલ્લાના માલસર ગામના એક વર્ષના માસૂમ બાળકના ગળામાં ફસાયેલો નાનકડો LED બલ્બ અત્યંત જટિલ ઓપરેશન દ્વારા બહાર કાઢી તબીબોએ તેને નવજીવન આપ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માલસર ગામના આ પરિવારના એક વર્ષના બાળકને છેલ્લા દોઢ મહિનાથી સતત તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ રહી હતી. પરિવારે અનેક ખાનગી હોસ્પિટલોના ઉંબરા ઘસ્યા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં બાળકને ‘ન્યુમોનિયા’ હોવાનું જણાવી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, લાંબી સારવાર બાદ પણ બાળકની સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા માતા-પિતા ચિંતિત બન્યા હતા અને અંતે તેને વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
ગોત્રી હોસ્પિટલના ENT કાન-નાક-ગળા વિભાગની ટીમે બાળકની ગંભીરતા જોઈ તાત્કાલિક વિગતવાર તપાસ હાથ ધરી હતી. વિવિધ રિપોર્ટ્સ અને એક્સ-રે તપાસ દરમિયાન તબીબોને બાળકની જમણી શ્વાસનળીમાં કોઈ અજાણી વસ્તુ ફસાઈ હોવાની આશંકા જઈ હતી. આ વસ્તુ શ્વાસના માર્ગમાં અવરોધ ઊભી કરતી હોવાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
5 ફેબ્રુઆરીના રોજ બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તેને જનરલ એનેસ્થેસિયા હેઠળ લઈ જટિલ બ્રોન્કોસ્કોપી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન જ્યારે તબીબોએ બાળકની શ્વાસનળીમાંથી વસ્તુ બહાર કાઢી ત્યારે તેઓ પણ સ્તબ્ધ રહી ગયા હતા. બાળકની શ્વાસનળીમાં એક નાનકડો LED બલ્બ ફસાયેલો હતો. નાનકડા બાળકની સાંકડી શ્વાસનળીમાંથી આ બલ્બ કાઢવો એ મોટું જોખમ હતું, પરંતુ ડો. સોનીની કુશળતાને કારણે આ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
દોઢ મહિના સુધી મોત સામે ઝઝૂમતા માસૂમનો જીવ બચી જતાં પરિવારની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હાલ બાળકની તબિયત સ્થિર છે અને તે કુદરતી રીતે સામાન્ય શ્વાસ લઈ રહ્યો છે. ગોત્રી હોસ્પિટલના અદ્યતન સાધનો અને તબીબોની માનવતાપૂર્ણ સેવાએ ફરી એકવાર સરકારી હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ દ્રઢ કર્યો છે.