Vadodara

ન્યુઝીલેન્ડમાં “હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર”નું ભવ્ય લોકાર્પણ, સનાતન સંસ્કૃતિનો ગૌરવપૂર્ણ ઉત્સવ

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું વૈશ્વિક પ્રસારણ

વડોદરા::
સનાતન ભારતીય સંસ્કૃતિની મૂળ ભાવના “વસુધૈવ કુટુમ્બકમ”ને સાકાર કરતી એક અદ્વિતીય ઘટના ન્યુઝીલેન્ડની ધરતી પર ઉજવાઈ. હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઓકલેન્ડ ખાતે “હરિ સુમિરન કમ્યુનીટી સેન્ટર”ના નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

૭ ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સનના હસ્તે કમ્યુનીટી સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે ભારતીય પરંપરા મુજબ પૂજન કરીને આશીર્વાદ લીધા તથા મુખ્ય મંદિર ખાતે ખાતમુહૂર્ત વિધિમાં પણ ભાગ લીધો. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ યુવાનો સાથે આત્મીય સંવાદ કર્યો, સાધ્વી બહેનોને મળ્યા અને આયોજકોના કાર્યને બિરદાવ્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમાજ કલ્યાણની ભાવનાથી દાનમાં પ્રાપ્ત થયેલી રકમથી નિર્મિત આ કેન્દ્ર સામુદાયિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે માનસિક સ્વાસ્થ્ય, વ્યસનમુક્તિ અને શિક્ષણ ક્ષેત્રે હરિ પ્રબોધમ્ પરિવાર દ્વારા વિશ્વભરમાં કરવામાં આવતા સેવા કાર્યોની પ્રશંસા કરી. ભારત–ન્યુઝીલેન્ડ વચ્ચેના મજબૂત થતા સંબંધો અને મુક્ત વેપાર કરારની પણ નોંધ લીધી.

ભારત સહિત ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, યુરોપ અને એશિયાના વિવિધ દેશોમાંથી ૧૮૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિ સાથે આ ઉત્સવ વૈશ્વિક એકતાનો પ્રતીક બન્યો. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના આશીર્વચન સાથે આ ઐતિહાસિક આયોજન સંપન્ન થયું.

Most Popular

To Top