ઐતિહાસિક ઈમારતના ગેટ નંબર 3 પાસે ઈંડાનો નિકાલ : તંત્ર નિંદ્રાધીન
તૂટેલા ફૂટપાટના પથ્થરો, રેલિંગના ટુકડા અને ગંદકીના ઢગલાએ પ્રજાના પૈસાના વેડફાટનું જીવંત ચિત્ર રજૂ કર્યું :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરામાં સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે ન્યાય મંદિરની ફરતે સફાઈ વિના જ રેલિંગો લગાવાઈ છે. જ્યારે, ગેટ નંબર 3 પાસે ઈંડાના કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ દૂધવાલા મહોલ્લા સામેના ભાગે તૂટેલા ગટરના ઢાંકણાથી લોકોને જીવનું જોખમ ઉભું થયું છે. સ્માર્ટ સત્તાધીશો નિંદ્રાધીન જોવા મળ્યા છે. જેના કારણે નાગરિકોના પરસેવાના નાણાંનો વ્યય થવા પામ્યો છે.

મહારાજા સયાજીરાવ ગાયકવાડની ભેટ અને શહેરનું હેરિટેજ રત્નો વડોદરાના હૃદય સ્થાને આવેલું ન્યાય મંદિર આજે તંત્રની અવગણનાનું શિકાર બની રહ્યું છે. શહેરના ન્યાય મંદિર ફરતે તૂટેલા ફૂટપાટના પથ્થરો રેલિંગના ટુકડા અને ગંદકીના ઢગલા પ્રજાના પૈસાના વેડફાટનું જીવંત ચિત્ર રજૂ કરે છે. સાફ સફાઈ વિના હેરિટેજ ઈમારતની જાળવણીના નામે રેલિંગ લગાડી દેવાi છે. સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે સાધના સિનેમા સામે ગેટ નંબર ત્રણ પાસે ઈંડાનો નિકાલ કરતા ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે.

બીજી બાજુ દૂધવાલા મહોલ્લા પાસે રોડ વચ્ચે ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં છે. જેનાથી અકસ્માત થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સ્માર્ટ સત્તાધીશો દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે થશે તે જોવું રહ્યું. શહેરના એક નાગરિકે આ સમસ્યા ઉજાગર કરી હતી. નોંધનીય છે કે ઐતિહાસિક ઈમારતની સાર સંભાળ પાલિકા તંત્રને સોંપવામાં આવી છે. જ્યારે કેટલાક લોકો દ્વારા અહીં કચરો નાખવામાં આવે છે તેમજ શૌચક્રિયા પણ કરવામાં આવે છે. તંત્રના પાપે શહેરની ઐતિહાસિક ઈમારતોના હાલ બેહાલ થવા માંડયા છે. ત્યારે, હવે માંડવી લહેરીપુરા દરવાજા બાદ હવે ન્યાયમંદિરની પણ આવી જ હાલત થવા તરફ મંડાણ થયા છે.
