હેલ્મેટ બન્યું રક્ષક, અકસ્માતની ભયાનકતા છતાં હેલ્મેટના કારણે બાઈક ચાલકનો જીવ બચ્યો, કાર ચાલક ફરાર



(પ્રતિનિધિ), વડોદરા. તા.10
શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા વ્યસ્ત નોવિનો રોડ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ફોરવીલર ચાલકે આગળ જઈ રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને ચાલક પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર એક પુરુષ અને બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, એક બાઈક સવાર બે મહિલાઓ સાથે નોવિનો રોડથી મકરપુરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક અજાણી ફોરવીલરે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને કાર ચાલક ઉભા રહેવાને બદલે વાહન સાથે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત એક પુરુષ અને બે મહિલાઓને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે મકરપુરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માતમાં સૌથી મોટી રાહતની વાત એ રહી કે બાઈક ચાલકે હેલ્મેટ પહેરેલું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટક્કર બાદ બાઈક ચાલક માથાના ભાગે પછડાયો હતો, પરંતુ હેલ્મેટના કારણે તેને માથામાં જીવલેણ ઈજા થઈ ન હતી. કાયદાનું પાલન આજે એક પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે અને ચાલકનો આબાદ બચાવ થયો છે. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસ પણ તપાસમાં જોડાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે નાસી છૂટેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનેલી ઘટનાને પગલે વાહનચાલકોની સુરક્ષા સામે ફરી સવાલો ઊભા થયા છે.