કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રીના કાંઠે ચાલતા બાંધકામ પર તંત્રની ત્રાટકતી ટુકડી: મકાન માલિકનો આક્ષેપ- ‘કોઈ પૂર્વ જાણકારી વિના તોડફોડ કરી’



વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. તુલસીવાડી અને વિશ્વામિત્રી નદીના કિનારા પાસે આવેલા ફાગવેલ નગર નવી નગરીમાં એક મકાનનું બાંધકામ અટકાવી તેને તોડવાની કામગીરી શરૂ કરાતા માનવીય સંવેદનાના દ્રશ્યો સર્જાયા હતા. વર્ષોની મહેનતની કમાણીથી ઘર બનાવી રહેલા મકાન માલિક તંત્રની આ અચાનક કાર્યવાહી જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ, કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કાંઠે દિલશાદ અહેમદ નામનો વ્યક્તિ પોતાના મકાનનું નવું બાંધકામ કરાવી રહ્યો હતો. જ્યારે મકાન પર સ્લેબ ભરવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ વડોદરા કોર્પોરેશનની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્યાં પહોંચી ગઈ હતી. તંત્રએ તાત્કાલિક અસરથી બાંધકામ અટકાવી દીધું હતું અને જે મકાનની દીવાલો ચણવામાં આવી હતી તેને તોડવાનું શરૂ કર્યું હતું.
ભંગારની લારી ચલાવીને ગુજરાન ચલાવતા મકાન માલિકે રડતા રડતા જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા. વરસાદી પાણી ભરાતા હોવાથી અમે મકાન થોડું ઊંચું બનાવી રહ્યા હતા. કોર્પોરેશન દ્વારા અમને કોઈ પણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. જો અમને પહેલા જાણ કરી હોત તો અમે આટલો ખર્ચ ન કર્યો હોત.” સ્થાનિકોએ પણ આક્ષેપ કર્યો હતો કે ગરીબોને હેરાન કરવા માટે તંત્ર સીધું જ તોડફોડ કરવા પહોંચી જાય છે.
બીજી તરફ, ઘટના સ્થળે હાજર કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બાંધકામ વરસાદી પાણીના કાંસ અને વિશ્વામિત્રી નદીના કિનારે કરવામાં આવી રહ્યું હતું, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. અધિકારીના જણાવ્યા અનુસાર, “આ જગ્યા તેમની માલિકીની નથી અને બાંધકામ માટે કોઈ પરવાનગી લેવામાં આવી નથી. જ્યારે કોઈ માલિકીના પુરાવા જ ન હોય, ત્યારે નોટિસ આપવાનો પ્રશ્ન રહેતો નથી.” તંત્રએ દીવાલોની હાઈટ વધુ હોવાનું જણાવીને તેને તોડી પાડવાની કામગીરી ન્યાયી ગણાવી હતી.
એક બાજુ તંત્ર પોતાની કામગીરીને કાયદેસર ગણાવી રહ્યું છે, તો બીજી બાજુ મકાન માલિકની આજીજી અને રૂદન જોઈને હાજર લોકોમાં તંત્રની કાર્યપદ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો. હાલ પૂરતું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે અને વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.