મંગળસૂત્ર ગીરવે મૂકી ખાતામાંથી ટ્રાન્સફર કરાવ્યા રૂપિયા
મોબાઈલ એપથી લોન લઈ પૈસા ટ્રાન્સફર, ક્રેડિટ કાર્ડનો પણ દુરુપયોગ
(પ્રતિનિધિ) વડોદરા, તા. 01
વડોદરા જિલ્લાના ઉંડેરા ગામે રહેતી 35 વર્ષીય કોમ્પ્યુટર ઓપરેટર મહિલાને ઓફિસના માલિક અને મેનેજર દ્વારા તાત્કાલિક જરૂરિયાત બતાવી વિવિધ રીતે કુલ રૂ. 1.92 લાખથી વધુની ઠગાઈ કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વારંવાર રૂપિયા પરત માંગવા છતાં આરોપીઓએ ચૂકવણી ન કરતાં અંતે ઓફિસ બંધ કરી બંને ફરાર થઈ ગયા હતા. આ અંગે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મહિલા જુલાઈ 2025થી વડોદરાની શ્રીજી હેલ્પ સેન્ટરમાં માસિક રૂ. 10 હજારના પગાર પર નોકરી કરતી હતી. ઓફિસના માલિક મોહન મેરીયાએ તાત્કાલિક જરૂરિયાત બતાવી પહેલા રૂ. 19,800 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ફરી રૂ. 50,000 માંગતા મહિલાએ પોતાનું મંગળસૂત્ર ગીરવે મૂકી રૂ. 49,500 ગુગલ પે મારફતે આપ્યા હતા. એક મહિનામાં રૂપિયા પરત આપવાની ખાતરી છતાં રકમ પરત આપવામાં આવી નહોતી.
આગળ ચાલીને માલિક મોહન મેરીયા અને મેનેજર મનિષ શાહે મહિલાના મોબાઈલમાં મની વ્યૂ એપ ડાઉનલોડ કરી તેની જાણ વગર રૂ. 1 લાખની લોન લીધી અને તેમાંથી રૂ. 90,000 પોતાની ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. ઉપરાંત મહિલાનું યસ બેંક ક્રેડિટ કાર્ડ ઉપયોગમાં લઈને રૂ. 33,000નો ખર્ચ પણ કર્યો હતો. કુલ રૂ. 1,92,300ની રકમ મેળવ્યા બાદ બંને આરોપીઓ જાન્યુઆરી 2026થી ફોન બંધ કરી ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.