દિલ્હીની પાસે આવેલા નોઇડા સેક્ટર 93-એમાં નિર્માણ પામેલા સુપરેટક ટ્વિન ટાવર્સને આજે તોડી પાડવામાં આવશે. આ બંને ટાવર 30 અને 32 મંજિલા છે. સુપરટેક ટ્વિન ટાવર્સ કેવી રીતે તોડાશે તેની ચર્ચા ન્યૂઝ મીડિયામાં ખૂબ થઈ રહી છે. સંભવત્ આજે તે તોડી પડાશે ત્યારે તેનું લાઇવ ટેલિકાસ્ટેય થશે. આ પૂરી કામગીરીમાં 3700 કિલોગ્રામ એક્સ્પ્લોઝિવનો ઉપયોગ થશે અને તે પંદર સેકન્ડમાં તૂટી પડશે ત્યારે તેનાંથી સમગ્ર વિસ્તારમાં ધૂળ પ્રસરશે તેવી દહેશતેય છે. આ માટે તે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને આસપાસના નિવાસીઓને એક દિવસ માટે બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. તે ઉપરાંત, આ વિસ્તારને થોડાં કલાકો માટે ‘નો ફ્લાય ઝોન’પણ જાહેર કરવામાં આવ્યો છે. ટાવર્સને તોડાય ત્યારે તેનું નુકસાન આસપાસ જરાસરખુંય ન થાય તે માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડેમોલિશન કંપનીને તેનુ કાર્ય સોંપાયું છે. તેઓ આ કાર્યમાં નિષ્ણાત છે. તેનું વહિવટીકાર્ય ભારતની મુંબઈ સ્થિત કંપની એડિફાઇસ એન્જિનિયરીંગ સંભાળી રહી છે.
આ તો આજે જે ઘટના બનશે તેની વાત છે, પરંતુ આ ટાવર્સ ગેરકાયદેસર છે અને તેને ધ્વસ્ત કરવા જોઈએ તેવી માંગણી વર્ષોથી આસપાસના સોસાયટીના નિવાસીઓ કરતા હતા. તે માટે તેમણે લાંબી કાયદાકીય લડત આપી. પહેલાં નોઇડા ઓથોરિટીને રજૂઆતો કરી, તે પછી અલાહાબાદ હાઇકોર્ટમાં મામલો ગયો અને અંતે સુપ્રિમ સુધી આ લડત પહોંચી. સુપ્રિમ કોર્ટે એક વર્ષ અગાઉ ટ્વિન ટાવર્સને ગેરકાયદેસર ઘોષિત કર્યા. હવે તેને તોડી પાડવાનો હૂકમ પણ કર્યો છે.
ગેરકાયદેસર રીતે નિર્માણ પામેલી ઇમારતોની આપણે ત્યાં નવાઈ નથી. શહેરે શહેરે તેવી ઇમારતો જોવા મળે છે. અને હવે તો જે રીતે ટાવર્સ નિર્માણ કરવાની પરમિશન મળી છે તે રીતે તો તેમાં નિયમો જળવાય છે કે નહીં તે પણ પ્રશ્ન છે. પરંતુ આ બધી જ વાતે અનદેખી થાય છે કારણ કે આવાં ટાવર્સ નિર્માણ પામે છે, અને લોકો તેને ખરીદીને તેમાં રહે પણ છે. કારણ સ્વાભાવિક છે કે સૌને શહેરોમાં વસવું છે અને તે લોભ બિલ્ડર્સ લૉબીને આવું કરવા બળ પૂરું પાડે છે. સુપરટેક ટાવર્સમાંય એવું જ થયું. સમયાંતરે આ ટાવર્સને વધુ ને વધુ ફ્લોરની મંજૂરી મળતી ગઈ અને આસપાસના રહીશોને તે અડચણરૂપ બનતા ગયા. સામાન્ય રીતે આવાં કિસ્સામાં પહેલાં લોકો વિરોધ દર્શાવે અને પછી રજૂઆતો કરીને હારી-થાકી જાય. સમય વીતતાં રોષ ઠંડો પડે અને બધું જ ગોઠવાઈ જાય. પરંતુ અહીંયા એમ ન થયું, લોકો સંગઠિત થયા. નોઇડા ઓથોરિટીને રજૂઆતો કરી, ત્યાં મામલો આગળ વધતો ન દેખાયો તો વાત હાઇકોર્ટમાં લઈ ગયા. અંતે સુપ્રિમ કોર્ટમાં ગયા અને પોતાના પક્ષે તેઓ ચુકાદો લાવી શક્યા. બિલ્ડર્સ કોમ્યુનિટીને આવો ધક્કો ક્યારેક જ લાગે છે, આ ઘટના તેમના માટે પણ ચેતવણીરૂપ છે.
હવે પૂરા કેસની વિગત જોઈએ. ગત્ વર્ષે 31 ઑગસ્ટના રોજ સુપ્રિમ કોર્ટ દ્વારા સુપરટેક ટ્વિન ટાવર્સને ગેરકાયદેસર જાહેર કરી દીધા હતાં. અને સાથે સાથે સુપ્રિમ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે નોઇડા ઓથોરિટીમાં થયેલાં ભ્રષ્ટાચારના પરિણામે આ ટાવર્સ નિર્માણ પામ્યા છે. અને તે વખતે હૂકમ કર્યો હતો કે ત્રણ મહિનામાં ટાવર્સને જમીનદોસ્ત કરવામાં આવે. આ પૂરા કેસની શરૂઆતની વિગત 2004ની છે જ્યારે નોઇડા સેક્ટર 93માં એક મોટાં પ્લોટની જમીનની ફાળવણી એમરોલ્ડ કોર્ટ નામની સોસાયટીને કરવામાં આવી. આ સોસાયટીનું બાંધકામ કાર્ય સુપરટેક લિમિટેડ નામની કંપની કરવાની હતી. ફાળવણી બાદ અહીંયા ટાવર્સની મંજૂરી અર્થે સુપરટેક કંપનીએ નોઇડા ઓથોરિટી સામે પ્લાન મૂક્યો અને ત્યારે તે ફાળવેલી જગ્યામાં 14 ટાવર્સ નિર્માણ કરવાનો પ્લાન પાસ કરવામાં આવ્યો. આ તમામ ટાવર્સ ગ્રાઉન્ડ ફ્લોર સાથે 9 માળના હતા. તે પછી 2006માં નોઇડા ઓથોરિટીએ 9ના બદલે માળની સંખ્યા 11 કરી. આ પ્લાન પણ સરળતાથી પાસ થઈ ગયો. તે પછી 15 અને 16 નંબરના ટાવરની પણ વાત આવી અને આ જગ્યામાં 14ના જગ્યાએ 16 ટાવર બનાવવાનો પ્રસ્તાવ થયો અને તે પાસ પણ થયો.
સમય વીતતો તેમ તેમ આ ટાવર્સ નિર્માણ કરનારાં બિલ્ડર્સને ટાવરની ઊંચાઈ વધારવાનો મોહ જાગ્યો અને નોઇડા ઓથોરિટી દ્વારા તે મંજૂરી પણ મળતી ગઈ. 2009માં અહીંયા જ 17માં ટાવરનો પણ પ્લાન પાસ થયો. આ દરમિયાન અન્ય ટાવર્સ 11 માળના બની ચૂક્યા હતા. જે 16 અને 17 નંબરના ટાવર હતા તેનું બાંધકામ શરૂ થઈ રહ્યું હતું. આ દરમિયાન દેશભરમાં ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ વધતી ગઈ. તેનો લાભ લેવાની લાલચ આ સ્કીમના બિલ્ડર્સોને પણ થઈ. તેમણે 16 અને 17માં નંબરના ટાવરને વધુ ફ્લોર મળે તે માટે નોઇડા ઓથોરિટીમાં ફરી પ્લાન મૂક્યો. આશ્ચર્યની વચ્ચે આ બંને ટાવર્સને 40 ફ્લોર સુધી લઈ જવાની મંજૂરી મળી ગઈ. આવું જ્યારે થયું ત્યારે આસપાસના રહીશોને છેતરાયાની લાગણી થઈ. તેઓ જ્યારે અહીં રહેવા આવ્યા ત્યારે બિલ્ડર્સે જે આસપાસનું ચિત્ર બતાવ્યું હતું તે હવે તદ્દન બદલાઈ જવાનું હતું. આનો વિરોધ સ્વાભાવિક છે કે પહેલાં વાતચીતમાં દર્શાવ્યો હોય. પણ બિલ્ડર્સ પોતાની જીદ પર અડી રહ્યા એટલે તે પછી રજૂઆતો નોઇડા ઓથોરિટીને થઈ. પરંતુ તેમાં કોઈ પરિણામ ન આવતાં છેલ્લે હાઇકોર્ટમાં આ મુદ્દો પહોંચ્યો.
સુપ્રિમ કોર્ટે સુપરટેક ટાવર્સની આસપાસ રહેતાં નિવાસીઓના પક્ષને મંજૂર રાખ્યો તેના અનેક કારણો છે. તેમાં એક મુખ્ય તો નેશનલ બિલ્ડિંગ કોડના નિયમનું ઉલ્લંખન છે. આ નિયમ મુજબ કોઈ પણ બે નિવાસી ટાવરની વચ્ચે 16 મીટરનું અંતર આવશ્યક છે. પરંતુ અહીંયા સ્કીમમાં જે પ્રથમ નંબરનો ટાવર છે અને ટ્વીન ટાવર્સ છે તે વચ્ચેનું અંતર માત્ર 9 મીટર છે. બીજું મહત્ત્વનું કારણ એ કે જ્યાં આજે 16 અને 17 નંબરના ટાવર છે ત્યાં અગાઉ બિલ્ડર્સે ખાલી પ્લોટ દાખવ્યો હતો. જેઓ સૌપ્રથમ અહીંની સ્કીમમાં રહેવા આવ્યા ત્યારે તો તેમને અહીં ગ્રીન એરિયા છે તેમ દર્શાવ્યું. જ્યાં 16 અને 17 નંબરના ટાવર બન્યા છે ત્યાં એક કૉફી શોપ પણ હતી.
પરંતુ પછીથી તેના પર આટલાં મોટાં ટાવર્સનું નિર્માણ થયું. આ ટાવર્સથી અગાઉના નિવાસીઓનું ખાલી પ્લોટનુ સપનું તો રોળાયું, પણ સાથે સાથે તેમના નિવાસ એ રીતે ઢંકાઈ ગયા કે સૂર્યપ્રકાશ કે હવાની અવરજવર માં પણ અડચણ આવી. હવે આ લડત કેટલી લાંબી રહી હશે તેનો અંદાજ પણ એ પરથી આવી શકે કે પહેલાં તો નિવાસીઓએ નોઇડા ઓથોરિટીને ખૂબ ફરિયાદ કરી, પણ તેનો ઉકેલ ન જણાયો. તે પછી માંડ માંડ પૂરો મામલો 2014માં અલાહબાદ કોર્ટમાં લઇ જવાયો. 2014માં અલાહાબાદ કોર્ટે ટાવરને તોડવાના આદેશ આપી દીધા. તે વખતે નોઇડા ઓથિરીટી પણ હરકતમાં આવી અને 24 અધિકારીઓ પર એફઆઈઆર પણ થઈ. જોકે અલગ-અલગ કારણસર ટાવર્સને તોડી પાડવાનું પાછળ ઠેલાતું ગયું.
જોકે હવે ફાઈનલી સુપ્રિમ કોર્ટ દ્વારા ગેરકાયદેસર ટાવર્સને તોડવાનો હૂકમ થયો છે. આ જ્યારે ટાવર્સ ડિમોલિશન થઈ રહ્યા છે ત્યારે તેની સૌથી મોટી શીખ બિલ્ડર્સ લોબીએ લેવાની છે કે જેઓ મહદંશે જે સ્કીમો શરૂ થતાં અગાઉ દાખવે છે તે પૂર્ણ થતાં થતાં તેનું ચિત્ર બદલાઈ ચૂક્યું હોય છે. ટ્વિન ટાવર્સનું ડિમોલિશન એ રીતે એક બેન્ચમાર્ક છે, જેમાં બિલ્ડર્સ નિયમોને નેવે મૂકતા ડરશે. આ ઉપરાંત જે આવી સ્કીમોના ખરીદદાર છે તેમણે પણ ચેતવાનું છે કે જ્યારે તેઓ કોઈ પ્રોપર્ટી ખરીદે, જેમાં મોટા ભાગનાની જીવનભરની મૂડી લાગેલી હોય છે તો તેઓ તે બાબતે સજાગ થાય. આ પ્રક્રિયામાં સરકારની દોરવણી પણ જરૂરી છે.