હરણી પોલીસની બાતમીના આધારે રેડ, ચાર આરોપીઓની ધરપકડ
કન્ટેનર ટ્રક અને પિકઅપ સહિત કુલ રૂ.36.19 લાખનો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ) વડોદરા:
વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર હરણી પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસ દ્વારા દેણા બ્રિજથી ગોલ્ડન ચોકડી તરફના સર્વિસ રોડ પર રેડ કરીને રૂ.23.06 લાખના વિદેશી દારૂ સાથે ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, એક કન્ટેનર ટ્રકમાંથી દારૂ ઉતારીને મહિન્દ્રા પિકઅપમાં ભરવાની કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન હરણી પોલીસે સ્થળ પર દરોડો પાડી 4,498 બોટલ અને ટીન સાથે વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે દારૂ ઉપરાંત મોબાઇલ ફોન, કન્ટેનર ટ્રક અને મહિન્દ્રા પિકઅપ સહિત કુલ રૂ.36.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હરણી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.