લગ્ન પ્રસંગથી પરત ફરતા દંપતીની બાઈકને ટ્રેલરની અડફેટ પાંચ બાળકોના માથેથી માતાનો સાયો ઉઠતાં પરિવારમાં શોક, ચાલક ફરાર
વડોદરા:
વડોદરાના નેશનલ હાઈવે-૪૮ પર ગોલ્ડન ચોકડીથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર હિટ એન્ડ રનની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. પૂરઝડપે આવેલા ટ્રેલરે બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ૪૩ વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મંજુસર ગામની રહેવાસી દિલસા બાનુ પોતાના પતિ સાથે કેલનપુર તરફ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વખતે ગોલ્ડન ચોકડી નજીક દરજીપુરા તરફ જવાના માર્ગ પર પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે બેદરકારીપૂર્વક બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે દિલસા બાનુનું સ્થળ પર જ મોત થયું હતું.

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતાના અકાળ નિધનથી પાંચ બાળકોના માથેથી સ્નેહનો સાયો છીનવાઈ જતા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સતત વધી રહેલા હાઈવે અકસ્માતોને લઈને વાહનચાલકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.