વરણામા ગામ નજીક એક ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
(પ્રતિનિધિ) વડોદરા, તા.16
વડોદરા જિલ્લામાં અકસ્માતોની વણઝાર શમવાનું નામ લઈ રહી નથી. ત્યારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર વરણામા ગામ નજીક એક ટ્રક ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકના આગળના કેબિનનું સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયું હતું.

અકસ્માતમાં ટ્રક ચાલક કેબિનમાં ફસાઈ જતા તાત્કાલિક જીઆઇડીસી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં મહંમદ શેખ નામના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રથી અમદાવાદ ફેવિકોલ ભરેલા બેરલ લઈને જઈ રહેલી આ ટ્રક વરણામા ગામ પાસે પહોંચતા અચાનક અકસ્માતનો ભોગ બની હતી. અથડામણને કારણે બેરલમાં ભરેલું ફેવિકોલ રોડ સાઈડ પર આવેલી વરસાદી કાસમાં વહેતી થઈ ગયું હતું, જેના કારણે રોડ પર લિસ્સી પરિસ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માતમાં ટ્રક તેમજ ફેવિકોલના માલસામાન સહિત લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.