કરજણ પાસે ગમખ્વાર અકસ્માત, બસમાં સવાર હતા 30થી વધુ મુસાફરો
ફાયર બ્રિગેડની તાત્કાલિક બચાવ કામગીરી, કટર મશીનથી મુસાફરને બહાર કાઢ્યો
એક મુસાફરની હાલત ગંભીર, અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ, પોલીસે કર્યો ડાયવર્ઝન
(પ્રતિનિધિ) વડોદરા, તા. 18
વડોદરા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કરજણ પાસે વડોદરાથી સુરત તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ બસમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ઓવરસ્પીડ અને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવવાનો સંદેહ

પ્રાથમિક માહિતી મુજબ, બસ ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ઓવરસ્પીડમાં હોવાને કારણે રોડ સાઈડ પલટી ખાઈ ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફાયર બ્રિગેડની તાત્કાલિક બચાવ કામગીરી

બનાવની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કટર મશીનથી ફસાયેલા મુસાફરને બહાર કાઢ્યો

અકસ્માત દરમિયાન એક મુસાફર બસના નીચેના ભાગમાં ફસાઈ ગયો હતો. જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનનો ઉપયોગ કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત આ મુસાફરને તાત્કાલિક કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
10થી વધુ મુસાફરોને ઇજા, એકની હાલત ગંભીર

બસમાં અંદાજે 30થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેમાંથી એક મુસાફરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ટ્રાફિક જામ, પોલીસે કર્યો ડાયવર્ઝન

અકસ્માત બાદ નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વાહનવ્યવહારને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કર્યો હતો.
સ્થાનિક લોકો અને મુસાફરો પણ જોડાયા બચાવ કામગીરીમાં

ઘટનાસ્થળે આસપાસના સ્થાનિક લોકો તેમજ હાઈવે પરથી પસાર થતા મુસાફરોએ પણ માનવતા દાખવી બચાવ કામગીરીમાં મદદ કરી હતી. સદનસીબે, અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં તંત્ર અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.