વાઘોડિયા ચોકડીથી કપુરાઈ જવાના માર્ગે રોડની બિસ્માર હાલત
વાહન ચાલકો સાઈડ પરના માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા


( પ્રતિનિધિ )વડોદરા,તા.20
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર વાઘોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગ ઉપર અકસ્માતને આમંત્રણ આપતા મોટા મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે પસાર થઈ રહેલા વાહન ચાલકોને ઘણી હાલાકી પડી રહી છે.

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પરથી મોટી સંખ્યામાં ભારદારી વાહનો પસાર થતા હોય છે જોકે હાલ આ માર્ગની દયનિય સ્થિતિ સામે આવી છે. જેમાં વાઘોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી સુધી જતા નેશનલ હાઇવે નંબર 48 પરનો માર્ગ બિસ્માર બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં માર્ગની એક બાજુમાં મોટા મોટા ખાડા પડી ગયા છે. પરિણામે વાહન ચાલકો સાઈડ પરના માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે. જેને લઇને ઘણીવાર અહી ટ્રાફિકજામ પણ સર્જાય છે સાથે જ આ માર્ગો પર ડામર અને કાંકરા પણ ઉખડી ગયા છે. જેના કારણે રોડની કામગીરી સામે પણ સવાલો ઉદભવ્યા છે. અહીં મહત્વની વાત એ છે કે, આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઈટ પણ આવેલી નથી અને માર્ગ ઉપર ખાડા છે. તેવામાં જો રાત્રિ દરમિયાન કોઇ ભારદારી વાહન અંધારામાં આ ખાડામાં ભટકાય તો ભયંકર અકસ્માત સર્જાવાનો પણ ભય રહેલો છે.