Vadodara

નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત,16 પૈડાં વાળું મોટું ટ્રેલર પલ્ટી ખાતા ચાલક ફસાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર તરસાલીથી જાંબુઆ બ્રિજ તરફ જવાના માર્ગે પુરપાટ ઝડપે દોડી રહેલા ટ્રેલરના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેલર રોડ સાઈડ ઉપર પલટી ખાઈ ગયું હતું. ચાલકને ઈજા પહોંચાડતા તાત્કાલિક તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી. જ્યારે ટ્રેલરમાં આગળના ભાગે નુકસાન થયું હતું.

વડોદરા શહેર જિલ્લા અને હાઇવેના માર્ગો ઉપર રફતારનો કહેર અટકવાનું નામ લઈ રહ્યો નથી. સોમવારે સાંજે જીએસએફસી બ્રિજ ખાતે ગોઝારા અકસ્માતની ઘટના બાદ બીજા દિવસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ તરફથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર એક મોટું ટ્રેલર વહેલી સવારે પલટી ખાઈ ગયું હતું. GJ12BX 7313 નંબરનું ટ્રેલર નેશનલ હાઇવે નંબર 48 ઉપર થી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારના સુમારે તરસાલીથી જામ્બુવા તરફ જવાના માર્ગ ઉપર બળીયાદેવ પીર મંદિરની પાસે ટ્રેલરના ચાલકે અચાનક ગાડી પર નિયંત્રણ ગુમાવતા ગાડી રોડ સાઈડ પર પલટી ખાઈ ગઈ હતી. મોટો અવાજ થતા સામેના ભાગે અન્ય ધંધાર્થીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કેબિનના આગળના ભાગે ફસાયેલ ચાલકને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબી આ ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી. ચાલકને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ચાલકને ઝોકૂ આવી જતા સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Most Popular

To Top