સતત બીજા દિવસે ગંભીર અકસ્માત: વડોદરા-કરજણ રોડ પર ટ્રકે એક્ટિવાને મારી ટક્કર; ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર
વડોદરા :શહેરની દક્ષિણ દિશામાં નેશનલ હાઇવે 48 પર આવેલી કપુરાઈ ચોકડી ફરી એકવાર માર્ગ અકસ્માતનું કેન્દ્ર બની છે. ગઈકાલે જ શાહ દંપતીનો ભોગ લેનાર આ ચોકડી પર ગુરુવારે સવારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ, તરસાલીથી જામ્બુવા તરફ જતા નેશનલ હાઇવે 48 પર કપુરાઈ ચોકડી પાસે બુધવારે સવારે સુમારે આ ઘટના બની હતી. વડોદરાથી કરજણ તરફ જઈ રહેલા એક્ટિવા પર સવાર બે યુવકોને એક પૂરપાટ ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી.
ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા પર સવાર બન્ને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેની પાછળ બેઠેલા મિત્રને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા એક્ટિવા ચાલકને બચાવવા માટે સ્થાનિકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. 108ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રાથમિક સારવાર આપી, ઘાયલ યુવકને વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ કપુરાઈ ચોકડી ખાતે પહોંચ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે જ આ જ કપુરાઈ ચોકડી પાસે એક ભયાનક અકસ્માતમાં શાહ દંપતીનું કરુણ મૃત્યુ થયું હતું. સતત બીજા દિવસે થયેલા આ ગંભીર અકસ્માતે ફરી એકવાર કપુરાઈ ચોકડીની ભયજનક સ્થિતિ અને ટ્રાફિક નિયંત્રણની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ “ખૂની ચોકડી” પર ટ્રાફિક નિયંત્રણ માટે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે.