Vadodara

નેતાજી હવે ‘સ્માર્ટ’ અવતારમાં: વડોદરાની ગલીઓમાં પત્રિકાના બદલે હવે QR કોડ અને AIનો ‘ડિજિટલ’ દબદબો

વોઈસ ક્લોનિંગથી ઉમેદવારનો અવાજ મતદારોના ફોન સુધી પહોંચ્યો; રીલ્સ અને ઈન્ફ્લુએન્ઝર્સ બન્યા નવા સ્ટાર પ્રચારક

વડોદરા: સંસ્કારી નગરી વડોદરા હંમેશા તેની પરંપરાઓ માટે જાણીતી છે, પરંતુ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરંપરા અને ટેકનોલોજીનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. વડોદરાના રાજકારણમાં હવે જૂની પદ્ધતિઓ ઈતિહાસ બની રહી છે અને ‘નેતાજી’ હવે સ્માર્ટ બનીને મતદારોના ઘર સુધી નહીં, પણ તેમના ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સુધી પહોંચી ગયા છે. બેનરો અને પોસ્ટરોનું સ્થાન હવે ‘રીલ્સ’ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ લઈ લીધું છે.
આ વખતની ચૂંટણીમાં સૌથી મોટું હથિયાર ‘AI’ બન્યું છે. વડોદરાના કેટલાક વોર્ડમાં ઉમેદવારો પોતાનો અવાજ ક્લોન કરાવી રહ્યા છે. જ્યારે મતદારને ફોન આવે છે, ત્યારે સામે છેડે સાક્ષાત્ ઉમેદવાર વાત કરી રહ્યા હોય તેવો અહેસાસ થાય છે. પર્સનલાઈઝ્ડ મેસેજિંગ દ્વારા દરેક મતદારને એવું લાગે છે કે નેતાજી ખાસ તેમને જ સંબોધી રહ્યા છે.
પ્રચાર પત્રિકાઓના થોકડા હવે ભૂતકાળ બની રહ્યા છે. ઉમેદવારો હવે વિઝિટિંગ કાર્ડ જેવી નાની સ્લિપ આપે છે, જેમાં QR કોડ હોય છે. આ કોડ સ્કેન કરતા જ ઉમેદવારનો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ, શૈક્ષણિક લાયકાત અને વિસ્તાર માટેના વિઝનનો વીડિયો પ્લે થાય છે. ચૂંટણી સામગ્રીના વેપારીઓના જણાવ્યા અનુસાર, ડિજિટલ એડ્સ અને સ્ટીકરોમાં 20% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે.
મોટા ગજાના નેતાઓ કરતા હવે સ્થાનિક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્ઝર્સની બોલબાલા વધી છે. જે યુવાનો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર પોતાના વિસ્તારમાં લોકપ્રિય છે, તેમને પક્ષો દ્વારા હાયર કરવામાં આવી રહ્યા છે. આ ઈન્ફ્લુએન્ઝર્સ પોતાની સ્ટાઈલમાં ઉમેદવારના કામનો પ્રચાર કરીને યુવા મતદારોને આકર્ષી રહ્યા છે. પ્રથમવાર મતદાન કરનાર વર્ગ માટે ‘ગેમિંગ એપ’ જેવી જાહેરાતો પણ લોન્ચ કરવામાં આવી છે.
માંડવી અને રાવપુરા જેવા જૂના વિસ્તારોમાં ‘શેરી બેઠકો’ તો હજુ થાય છે, પણ તેમાં પણ ડિજિટલ ટચ જોવા મળે છે. ઉમેદવાર જ્યારે એક મહોલ્લામાં સભા કરતા હોય, ત્યારે અન્ય ગલીના લોકો તેને ફેસબુક લાઈવના માધ્યમથી નિહાળે છે. આમ, ભૌતિક અંતર હોવા છતાં ટેકનોલોજી લોકોને જોડી રહી છે.

નવતર પ્રયોગ: પત્રિકા ફેંકશો નહીં, કુંડામાં વાવો અને છોડ ઉગાડો!
​વડોદરાના એક વોર્ડમાં ઉમેદવારે પર્યાવરણની જાળવણી માટે અદભૂત ‘ગ્રીન કેમ્પેઈન’ શરૂ કર્યું છે. સામાન્ય રીતે ચૂંટણી પછી રસ્તા પર પત્રિકાઓનો કચરો જોવા મળતો હોય છે, પરંતુ આ ઉમેદવારે ‘સીડ પેપર’ માં પોતાની પ્રચાર પત્રિકાઓ છપાવી છે. આ પત્રિકામાં નાના બીજ રાખવામાં આવ્યા છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ જો મતદાર આ પત્રિકાને કુંડામાં માટી નીચે દાબશે, તો તેમાંથી તુલસી કે ફૂલનો છોડ ઉગશે. પ્રચારની સાથે પર્યાવરણનો આ સંદેશ અત્યારે આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

રિપોર્ટર : નિર્મિત દ્વિવેદી

Most Popular

To Top