Vadodara

નેતાઓ આવે ને જાય, પણ ફાયરના ડ્રાઇવરો નહીં હોય તો આગ લાગે ત્યારે બચાવવા કોણ આવશે?

વડોદરામાં ‘ફાયર’ સેફ્ટી રામ ભરોસે: નેતાઓના પ્રોટોકોલ પાછળ તંત્ર ઘેલું, જનતાના જીવ જોખમમાં!

ફાયર વિભાગમાં ડ્રાઈવરોની ભારે અછત; આધુનિક સાધનો હોવા છતાં ડ્રાઈવર વગર ગાડીઓ ડેપોમાં ધૂળ ખાય છે

વડોદરા: શહેરમાં નેતાઓ અને વીવીઆઈપીઓના પ્રોટોકોલ અને બંદોબસ્ત પાછળ સરકારી તંત્ર એટલું વ્યસ્ત બની ગયું છે કે સામાન્ય નાગરિકોની સુરક્ષા હવે જોખમમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને ફાયર બ્રિગેડ વિભાગમાં ડ્રાઈવરોની સતત વધતી અછતને કારણે કટોકટીના સમયે શહેરીજનોની સુરક્ષા દાવ પર લાગી છે.

વડોદરા હંમેશા રાજકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે પણ કોઈ દિગ્ગજ નેતા કે મુખ્યમંત્રીની શહેરમાં પધરામણી થાય છે, ત્યારે ફાયર ફાઈટરની ગાડીઓને તેમના રૂટ અથવા સભાસ્થળે સ્ટેન્ડબાય રાખવામાં આવે છે. આ સ્થિતિમાં જો શહેરના કોઈ રહેણાંક કે વ્યવસાયિક વિસ્તારમાં આગ જેવી દુર્ઘટના બને, તો ત્યાં તાત્કાલિક પહોંચવા માટે પૂરતો સ્ટાફ કે ડ્રાઈવરો ઉપલબ્ધ હોતા નથી. આગની ઘટનામાં ‘ગોલ્ડન અવર્સ’ એટલે કે શરૂઆતની મિનિટો ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ ડ્રાઈવરના અભાવે જો ગાડી મોડી પહોંચે તો જાનમાલનું નુકસાન અનેકગણું વધી શકે તેમ છે.

ફાયર વિભાગ પાસે આધુનિક સાધનો અને લડાયક ફાયર ફાઈટરોની ટીમ તો છે, પરંતુ તેમને ઘટનાસ્થળ સુધી લઈ જનારા ડ્રાઈવરોની સંખ્યા ઓછી છે. વહીવટી તંત્ર અને નેતાઓ વચ્ચેના સંકલનના અભાવે નવી ભરતી પ્રક્રિયા અટકેલી છે. પરિણામે, હાલના ડ્રાઈવરોએ પરિવાર છોડીને દિવસ-રાત ફરજ બજાવવી પડે છે અને ઘણીવાર ડબલ કે ત્રિપલ શિફ્ટમાં કામ કરવું પડે છે.
ફાયર વિભાગમાં કાર્યરત કોન્ટ્રેક્ટ સિસ્ટમના કર્મચારીઓ પણ પાયાની સુવિધાઓ અને યોગ્ય પગારના અભાવે ત્રાહીમામ પોકારી ગયા છે. કર્મચારીઓની માંગ છે કે સરકાર માત્ર નેતાઓની વાહવાહી માટે કામ ન કરે, પરંતુ તાત્કાલિક ધોરણે ખાલી પડેલી ડ્રાઈવરોની જગ્યાઓ પર ભરતી કરે જેથી શહેરની સુરક્ષા જળવાઈ રહે.

જો આગામી સમયમાં ભરતી પ્રક્રિયા વેગવંતી બનાવવામાં નહીં આવે, તો કોઈ મોટી હોનારત સમયે વડોદરા શહેરની હાલત કફોડી બની શકે છે તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
બોક્ષ:- સળગતો સવાલ: નેતાની સભામાં ગાડી તૈયાર, પણ સોસાયટીમાં આગ લાગે તો?
​વડોદરામાં જ્યારે કોઈ નેતાનો કાફલો પસાર થાય છે ત્યારે અત્યાધુનિક ફાયર ફાઈટરો લાઈનબદ્ધ સ્ટેન્ડબાય જોવા મળે છે. પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે શહેરના કોઈ ગલી-મહોલ્લામાં આગ લાગે ત્યારે આ ગાડીઓ ચલાવવા માટે પૂરતા ડ્રાઈવરો જ નથી! જે કર્મચારીઓ હાજર છે તેઓ ડબલ-ત્રિપલ શિફ્ટ કરીને થાકી ચુક્યા છે. સવાલ એ થાય છે કે, તંત્રને જનતાના જીવ કરતા નેતાઓનો પ્રોટોકોલ વધુ વહાલો છે? જો કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોણ લેશે? નેતાઓ, અધિકારીઓ કે પછી ભગવાન?

Most Popular

To Top