પેન્શનર સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકારના નવા બિલનો વિરોધ કરાયો
નવા બિલ પરત ખેંચવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
વડોદરા:
2026મા આઠમા પગાર પંચમાં લાભ નહીં મળે તેવા કેન્દ્ર સરકારના નવા બિલને પરત ખેંચવાની માંગ સાથે પેન્શનર સંકલન સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર સાથે આજે રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા નાણાં બિલમાં સુધારા બિલથી નિવૃત્ત સરકારી કર્મચારીઓને આગામી વર્ષ -2026થી લાગુ થનારા આઠમા પગારપંચનો મળવાપાત્ર લાભ નહીં મળે. નિવૃત સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા જ અન્યાય થાય તેવા બિલનો રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ બિલને સત્વરે સરકાર પરત લે તેવી ઉગ્ર માંગ સાથે આજરોજ રાજ્યભરમાં સંકલન સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનને કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ ના ઉપપ્રમુખ રાજેશ પટેલની આગેવાનીમાં આજરોજ વડોદરાના નિવૃત્ત પેન્શનરો દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સાથે આ બિલનો વ્યાપક વિરોધ કરીને કેન્દ્ર સરકાર દ્વારા બિલ પરત લેવાની રજૂઆત કરવામાં આવી હતી. જો સરકાર આ બિલને પરત નહીં ખેંચે તો ગુજરાત રાજ્ય સંકલન સમિતિ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આદોલનની ખુલ્લી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના અનેક વિભાગોમાં સરકારી અર્ધસરકારી અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ સાથે પણ હદ અન્યાય થાય છે. પગાર ધોરણ હોય તે કાર્યક્ષેત્રની કામગીરી બાબતે સતત અવગણના થતી હોવાથી કર્મચારીઓમાં વ્યાપક આંતરિક રોષ ફાટી નીકળ્યો છે. કર્મચારીઓની કોઈપણ ન્યાયિક માંગ સરકારમાં ધ્યાને જ લેવાતી નથી.