Vadodara

નિવૃત્ત વિદ્યુત કર્મચારીઓ, અધિકારીઓ માટે તબીબી સહાય યોજના લાગુ કરવા માગણી

વિદ્યુત કર્મચારી નિવૃત્તિ તબીબી સહાય યોજના સંયુક્ત સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત :

કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાંથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના નિવૃત કર્મીઓ અને અધિકારીઓને બાકાત રખાયા :

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વિદ્યુત કર્મચારી નિવૃત્તિ તબીબી સહાય યોજના સંયુક્ત સમિતિ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓના નિવૃત કર્મચારીઓ અધિકારીઓને તબીબી સહાય યોજના લાગુ કરવા સહિતની વિવિધ પડતર માગણીઓ સંદર્ભ રાજ્યના મુખ્યમંત્રી,ઉર્જા મંત્રી ,આરોગ્ય મંત્રી સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્નમાં ફરજ બજાવી નિવૃત થનાર કર્મચારીઓ અને અધિકારીઓએ રાજ્યના વિકાસમાં વરસાદ, ગરમી ઠંડીમાં, ચૂંટણીઓ, કુદરતી આપદાઓ, વાવાઝોડું, ભૂકંપ જળ પ્રલય જેવી વિષમ પરિસ્થિતિમાં રાત દિવસ જોયા વગર પ્રામાણિકતાથી ફરજ બજાવી ગુજરાતની પ્રજાને, ઉદ્યોગોને અને કૃષિક્ષેત્રને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડીને રાજ્યની સેવા કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જેમાં ક્યારેક પોતાના જીવનું પણ જોખમ હોય છે.

તાજેતરમાં સરકાર દ્વારા ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અમલમાં મૂકવામાં આવી. પરંતુ, તેમાં જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના નિવૃત કર્મચારીઓ અધિકારીઓને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા નથી. ત્યારે આ સ્વાસ્થ્ય સુરક્ષા યોજનામાં વીજ કંપનીઓના નિવૃત કર્મચારીઓ અધિકારીઓને સત્વરે સમાવેશ કરી સુરક્ષા પૂરી પાડવામાં આવે અને આ યોજનાના લાભાર્થી તરીકે કેશલેસ મેડિકલ સારવાર નિયત હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવે અને જી કાર્ડ ઉપલબ્ધ કરાવી, એબી, પીએમજય, મા યોજના હેઠળ કેસલેસ સારવારનો લાભ, વીજ કંપનીઓની કાર્યરત ડિસ્પેન્સરીમાં પ્રાથમિક સારવાર અને મફત દવા ઉપલબ્ધ કરાવવામાં આવે. પેન્શનરોને હાલ પેન્શન ઉપરાંત રૂપિયા એક હજાર મેડિકલ એલાઉન્સ ચૂકવવામાં આવે છે, તે મુજબ જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓના પેન્શનરને પણ પેન્શન ઉપર 1000 મેડિકલ એલાઉન્સ ચૂકવવામાં આવે .આ ઉપરાંત હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ રિએમ્બર્સમેન્ટ સ્કીમ ઉપલબ્ધ છે. જેમાં કર્મચારી અધિકારીઓ અને તેના પરિવારના સભ્યોને વિવિધ રોગોના ઉપચાર માટે વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવી કંપનીમાં તેના બિલ મૂકી રીએમ્બર્સમેન્ટ મેળવી શકે છે. અને તેમાં નિવૃત કર્મચારી અધિકારીઓનો પણ સમાવેશ કરી અને નિવૃત અને પણ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળે તેવી માંગણી સાથે રાજ્યના મુખ્યમંત્રીને, ઉર્જા મંત્રી અને આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

Most Popular

To Top