Vadodara

નિયમિત ડીઈઓની ભરતીના ધાંધિયા : કાર્યભાર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હવાલે

ડિસેમ્બરમાં પૂર્વ ડીઈઓની બદલી થયા બાદ કાયમી જગ્યા ભરાઈ નથી :

કચેરી દ્વારા જારી થતા પરિપત્રોની વિવિધ શાળાઓમાં ખરાઈ કરવામાં આવતી નથી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.8

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક પાંચસોથી વધુ શાળાઓ આવેલી છે. કચેરી દ્વારા સમયાંતરે શાળાઓમાં નિરીક્ષણ કરવાનું હોય છે. જોકે શહેરમાં ડીઈઓનો હંગામી હવાલો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવ્યો છે.જેઓની કચેરીના હસ્તક જ એક હજારથી વધુ શાળાઓ આવેલી છે. ત્યારે, જ્યારે જ્યારે કોઈ ઘટના બને ત્યારે માત્ર તપાસ સમિતિની રચના કરી સંતોષ માણવામાં આવે છે.

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ડીઈઓ તરીકે ગત ડિસેમ્બરમાં રાકેશ વ્યાસની બદલી થઈ હતી. જે બાદ આજે આઠ મહિના ઉપરાંત થવા આવ્યા છતાં કાયમી ડીઈઓની ભરતી કરવામાં આવી નથી. શહેર અને જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગુજરાત બોર્ડની ગુજરાતી અંગ્રેજી માધ્યમની લગભગ 500 થી વધુ શાળાઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હસ્તક આવેલી છે. જે શાળાઓમાં ડીઈઓ કચેરી દ્વારા સમ્યાનતરે શાળામાં જઈને પ્રત્યેક નિરીક્ષણ કરવાનું હોય છે. શાળામાં ફી કે વિદ્યાર્થીઓ સંબંધિત બીજા પ્રશ્નો સાથે આરટીઇના પ્રવેશ સહિત વિવિધ કામગીરી પણ ડીઈઓ કચેરી દ્વારા જ કરવામાં આવે છે. હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેને ડીઈઓનો હંગામી હવાલો સોપાયો છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી હસ્તક જ આઠ તાલુકાની એક હજારથી વધુ શાળાઓ છે. તાજેતરમાં જ અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા જેવી ગંભીર ઘટના બાદ ડીઇઓ કચેરીનો સ્ટાફ ફૂલોમાં તપાસ અર્થે જોતરવામાં આવ્યો હતો. ત્યારે વડોદરામાં પણ વાઘોડિયાની એક ખાનગી શાળા અને સલાટ વાળાની પણ એક શાળામાં વિદ્યાર્થીઓ બાખડયા હોવાની ઘટના બની હતી. જ્યારે સામાન્ય ઝઘડામાં પણ અમદાવાદ જેવી મોટી ઘટના ન બને તે પ્રકારનું આયોજન કરવામાં હાલનું જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીનું તંત્ર તદ્દન ખાડે ગયું છે. શાળાઓ માટે કચેરી કક્ષાએથી વિવિધ પરિપત્ર થયા બાદ જેમાં આવેલા વિવિધ મુદ્દાઓની પણ ખરાઈ કરવામાં આવતી નથી અને અંતે કોઈ ઘટના બને ત્યારે માત્ર તપાસ સમિતિ બનાવી અને સંતોષ માણવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top