અગાઉ નવા પ્રમુખને ગેરમાર્ગે દોરી કામ મુલતવી કરાવ્યું હતું
VA Tech Wabagને ઈજારો આપ્યાના માત્ર બે વર્ષમાં જ 59 નોટિસ ફટકારાઈ હતી
વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાના પાણીની ગુણવત્તા જાળવવા માટે નિમેટા પાણી શુદ્ધિકરણ મથક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પરંતુ, આ મથક છેલ્લા કેટલાય વર્ષોથી વિવાદો અને રાજકીય ખેંચતાણ વચ્ચે સપડાયું છે. હાલમાં, પ્લાન્ટના સંચાલન અને નિભાવણી માટે નવી પાંચ વર્ષની ઈજારો પદ્ધતિ અમલમાં મુકવાની દરખાસ્ત ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત માટે કુલ રૂ. 13.11 કરોડના ટેન્ડરને મંજૂરી માટેનો નિર્ણય આગામી સ્થાયીની બેઠકમાં લેવાશે. પ્રારંભિક અંદાજ રૂ. 11.40 કરોડનો હતો, પરંતુ ઇજારદાર પૂજા કન્સ્ટ્રક્શન દ્વારા ભાવ ઘટાડો કર્યા બાદ દરખાસ્તમાં 15% વધારા સાથે નવી પ્રસ્તાવના મૂકાઈ છે.
આ પહેલા જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, ત્યારે કેટલાક સભ્યોએ કામ મુલતવી રાખવાની માંગણી કરી હતી. તેમના દાવા મુજબ, ઇજારદાર પૂજા કન્સ્ટ્રક્શન દ્વારા પૂર્વ વિસ્તારના લોકોને છ મહિનાથી દૂષિત પાણી પીવડાવવામાં આવ્યું હતું. જોકે, વાસ્તવિકતા એ છે કે દૂષિત પાણી પીવડાવવા મામલે પાલિકા દ્વારા આ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જે નિર્ણય ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઇકોર્ટે આ મામલે ઈજારદારના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્પોરેશનમાં થતી ચર્ચાઓ મુજબ જો એકવાર હાઇકોર્ટે ઈજારદારને સ્વચ્છ જાહેર કર્યો હોય, તો તેના કામને ફરી વિવાદિત બનાવવાનો કોઈ અર્થ રહ્યો નથી. જોકે, આ નવા ટેન્ડર સામે ફરી એકવાર વિરોધની સંભાવના સેવાઈ રહી છે અને આ પ્રસ્તાવને સ્થાયી સમિતિ દ્વારા મંજૂરી મળે કે નહીં, એ ચર્ચાનો મુદ્દો છે.
VA Tech Wabag સામે ગંભીર આરોપો છતાં મૌન કેમ?
આ વિવાદ વચ્ચે એક સવાલ ઉઠે છે કે VA Tech Wabag કંપની સામે અનેક ગુંજતી ફરિયાદો હોવા છતાં, સમિતિના સભ્યો તેનો વિરોધ કેમ કરતા નથી? VA Tech Wabag ને વર્ષ 2019માં નિમેટા પ્લાન્ટના સંચાલન અને મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી, કંપનીની કામગીરી ગંભીર સવાલોના ઘેરામાં છે. શાસન તંત્ર દ્વારા VA Tech Wabag પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ઈજારો આપ્યાના માત્ર બે વર્ષમાં જ કંપની સામે 59 નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસોમાં પાણીની ગુણવત્તામાં ગડબડ, મશીનોની બેદરકારી અને સ્ટાફ મેનેજમેન્ટની અસંતોષજનક સ્થિતિ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ હતો.